હસનવાડીમાં તીરૂપતિ ડેરીમાંથી ૫૦૦ કિલો વાસી માવો-૫૦ કિલો મિઠાઈ પકડાઈ
પીસ્તા રોલ, સાદો શિખંડ, શુદ્ધ ઘીના નમૂના લેવાયા
દિવાળીના તહેવારો પહેલાં શહેરમાં સઘન રીતે ફૂડ ચેકિંગ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી-આરોગ્ય કમિટી ચેરમેન દ્વારા આદેશ અપાતાં જ આરોગ્ય તેમજ ફૂડ શાખા દ્વારા ધોંસ બોલાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન બોલબાલા માર્ગ, હસનવાડી-૪, હાઉસિંગ બોર્ડ સામે વીરેન્દ્ર રમેશચંદ્ર ઉનડકટની માલિકીની શ્રી તિરૂપતિ ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવતાં ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં ૫૦૦ કિલો વાસી માવો તેમજ ૫૦ કિલો વાસી પડતર મિઠાઈ મળી આવતાં તાત્કાલિક તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તિરૂપતિ ડેરીમાંથી પીસ્તા રોલ, સાદો શિખંડ, શુદ્ધ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
જ્યારે ફૂડ વિભાગની ટીમ દ્વારા કૂવાડવા રોડ ડી-માર્ટથી આડો રોડ, નંદનવન રોડ તેમજ ૮૦ ફૂટ મટુકીવાળા રોડ વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૩૨ ધંધાર્થીઓનું ચેકિંગ કરતાં અતુલ આઈસ્ક્રીમ, શ્રી રામ ડેરી ફાર્મ અને શિવમ ફ્રૂટસ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવતાં ત્રણેયને તાત્કાલિક લાયસન્સ લઈ લેવા આદેશ આપવામાં આવ્યો હતો.