ચાર કલાક સુધી મનપા કચેરી ગજવતાં ૫૦૦ સફાઈ કામદારો
જનરલ બોર્ડના ઠરાવ પ્રમાણે ભરતી, મેડિકલ સર્ટિફિકેટ માટે ગમે ત્યારે બદલી નખાતાં નિયમ, પેન્શન સ્કીમનો લાભ સહિતના મામલે જોરદાર વિરોધ
ડીસીપી સહિતના અધિકારીઓ દોડ્યા: મ્યુનિ.કમિશનર, મેયર સાથે બેઠક

મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં એકાંતરા સફાઈ કામદારોના ટોળાં જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે ! સફાઈ કામદારો દ્વારા અનેક મુદ્દે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય બુધવારે ઉઘડતી કચેરીએ જ ૫૦૦થી વધુ સફાઈ કામદારોનું ટોળું મહાપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને ચાર કલાક સુધી મનપા કચેરી ગજવી મુકતાં ડીસીપી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
રાજકોટ વાલ્મીકિ સંકલન સમિતિ દ્વારા મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તા.૨-૩-૨૦૧૯ના જનરલ બોર્ડમાં ઠરાવ નં.૧૭૦૨/૨૦૧૮-૧૯ સફાઈ કામદારોની ૪૪૧ની ભરતી માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. તેના ફોર્મ બહાર પડતાં ૧૬૦૦ લોકોએ તે ભર્યા હતા. ચાર મહિના પહેલાં જનરલ બોર્ડમાં થયેલ અગાઉના ઠરાવ ૨૦૧૯ના અને હાલના ઠરાવમાં ભરતીના નિયમોની પાત્રતા એક જ છે તો અગાઉ જે ફોર્મ ભરેલા છે તેમ ુજબનો ડ્રો કરી તાત્કાલિક ભરતી કરવી જોઈએ.
આ ઉપરાંત સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા માટે માંગવામાં આવતાં મેડિકલ સર્ટિફિકેટમાં મહાપાલિકાના અધિકારી બદલાય કે સિવિલના અધિકારી કે ડૉક્ટર બદલાય તેમ નિયમો પણ ફરી જતાં હોય તેનો ભોગ સફાઈ કામદારોએ બનવું પડે છે એટલા માટે સ્વૈચ્છિક રાજીનામામાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા સહિતની પ્રથા હટાવી નાખીને સીધા જ રાજીનામા મંજૂર કરવા જોઈએ. આ સહિતના અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
સફાઈ કામદારોનો વિરોધ સતત વધતો જતો હોવાથી મેયર, શહેર ભાજપ પ્રમુખ, મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓએ બેઠક કરી હતી જેમાં એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટેની બાહેંધરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.