નિર્મલા રોડ પર અંજલી રેસ્ટોરન્ટમાંથી ૫ કિલો વાસી સબ્જી-દાળ-ચણા-સંભારો મળ્યા
સોજીત્રાનગરમાં ઓમશક્તિ ઢોસામાંથી ૬ કિલો મેંદુવડા, દાળવડાનો નાશ: કાલાવડ રોડ પર રામકૃપા ડેરીમાંથી ચોકલેટ બરફીનો નમૂનો લેવાયો
ભેળસેળીયા તત્ત્વો ઉપર ત્રાટકતી મહાપાલિકાની ફૂડ શાખાએ નિર્મલા રોડ પર આવેલા અંજલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં ત્યાંથી વાસી સબ્જી, દાળ, ચણા, સંભારો સહિતની પાંચ કિલો સામગ્રી મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે સોજીત્રાનગર માર્કેટ, શોપ નં.૧ લીંબુડીવાડી મેઈન રોડ પર ઓમ શક્તિ ઢોસામાંથી ૬ કિલો દાળવડા, મેંદુવડા સહિતની વાસી વાનગીઓ મળી આવતાં તેનો નાશ કરી નોટિસ ફટકારાઈ હતી. જ્યારે મહાપાલિકા દ્વારા પેડક રોડથી સેટેલાઈટ ચોક તેમજ પાણીના ઘોડા પાસેના વિસ્તારમાં ખાણીપીણીનો વેપાર કરતા ૨૫ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતાં પાંચ પાસે લાયસન્સ ન હોવાનું ખુલતાં તેમને નોટિસ અપાઈ સાથે સાથે ૨૪ જેટલા નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.
આવી જ રીતે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે નૂતનનગર શોપિંગ સેન્ટર પાસે શ્રી રામકૃપા ડેરીફાર્મમાંથી ચોકલેટ બરફી (લુઝ) તેમજ જ્યાંથી વાસી મેંદુવડા-દાળવડા સહિતની વાનગી મળી તે ઓમ શક્તિ ઢોસામાંથી ટમેટાની ચટણીનો નમૂનો લઈને લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો.