રાજકોટ જિલ્લાની 47 શાળાઓ ‘આચાર્ય’વગરની..!!
સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે 54 જગ્યા,સૌરાષ્ટ્રમાં 248 આચાર્યોની જગ્યા ખાલી છે:હવે પસંદગી કરવાની કાર્યવાહી
રાજકોટ જિલ્લામાં ધોરણ 9 થી 12 માં 47 જેટલા આચાર્યોની અને સૌરાષ્ટ્રમાં 248 આચાર્યોની ખાલી જગ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં આચાર્યોની ભરતી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તેમાં મોટાભાગે ગુજરાતી માધ્યમમાં આચાર્યોની જગ્યા ખાલી પડે છે. ગુજરાતી બિનસરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગે વિગતો જાહેર કરી છે જેમાં અંગ્રેજી ગુજરાતી અને હિન્દી મીડિયમમાં 896 જેટલી જગ્યાઓ પર આચાર્યોની ભરતી બાકી છે.
રાજકોટમાં 47 અને સૌરાષ્ટ્રમાં 48 આચાર્યો ની જગ્યા ખાલી છે જેમાં જુનાગઢમાં સૌથી વધુ 54 જગ્યાઓ ખાલી છે. ઓગસ્ટ મહિનામાં આચાર્યની જગ્યાઓ માટે જાહેરાત આપ્યા બાદ ઓનલાઇન એપ્લિકેશન પણ મંગાવવામાં આવી હતી હવે આ જગ્યા પર આચાર્યની પસંદગી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.