૪૫૭ ગરબી, ૧૬ રાસોત્સવને ૧૫૦૦ પોલીસનું સુરક્ષા કવચ: તમામની રજા કેન્સલ
તમામ પોલીસ મથકવાઈઝ બંદોબસ્ત સ્કીમ તૈયાર: નવ દિવસ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
સૌથી વધુ ૭૩ ગરમી આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં, સૌથી વધુ ૬ અર્વાચીન રાસોત્સવ યુનિવર્સિટી-ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં
આ વર્ષે શી-ટીમ'ની સંખ્યા વધારીને ૧૬ કરાઈ: ડીસીબી, પીસીબી, એસઓજી ખાનગી ડે્રસમાં રહેશે તૈનાત; જરા અમથો ચેનચાળો પણ પડી શકે ભારે
સીપી-એડિશનલ સીપીના ઓબ્ઝર્વેશન હેઠળ ત્રણ ડીસીપી બંદોબસ્ત તો એક ડીસીપી ટ્રાફિક વ્યવસ્થા ઉપર કરશે ધ્યાન કેન્દ્રીત
રાત્રે ૮ વાગ્યાથી જ પેટ્રોલિંગ કરી દેવાશે શરૂ, હોટેલ, ગેસ્ટ હાઉસનું સઘન ચેકિંગ: ટ્રાફિક પોલીસ-વૉર્ડનને ૮થી ૧૨ સુધી પોઈન્ટ પર હાજર રહેવા ફરમાન
તા.૩ને ગુરૂવારથી નવરાત્રીનું પાવન પર્વ શરૂ થઈ રહ્યું છે. આ તહેવારમાં ખેલૈયાઓ મન મુકીને રાસ લઈ નવ દિવસ સુધી માતાજીની આરાધના કરતા હોય છે ત્યારે તેમને કોઈ પ્રકારની અગવડ કે મુશ્કેલી ન પડે અને ગરબી તેમજ તમામ રાસોત્સવમાં ખેલૈયાઓ આરામથી રમી શકે તે માટે પોલીસે પણ તૈયારીઓ શરૂ કરી લીધી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા તમામ પોલીસ મથક વાઈઝ બંદોબસ્ત સ્કીમ તૈયાર કરાવવામાં આવી છે અને દરેક સ્ટાફને નવ દિવસ સુધી સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
અલગ-અલગ પોલીસ મથકમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવ માટે કરાયેલી અરજી પ્રમાણે રાજકોટમાં આ વર્ષે ૪૫૭થી વધુ પ્રાચીન ગરબી તો ૧૬ રાસોત્સવ આયોજિત થશે. આ તમામને ૧૫૦૦ પોલીસનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. ખાસ કરીને તહેવાર દરમિયાન તમામ પોલીસ સ્ટાફની રજા કેન્સલ કરી નાખવામાં આવી છે. આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે સૌથી વધુ ૭૩ ગરબીનું આયોજન આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં થશે. જ્યારે સૌથી ઓછું આયોજન ૮ ગરબીનું માલવિયા પોલીસ મથકમાં થશે. જ્યારે એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની ૨૦, થોરાળા પોલીસ મથકમાં ૪૫, આજીડેમ પોલીસ મથકમાં ૭૪, ભક્તિનગર પોલીસ મથકમાં ૫૧, તાલુકા પોલીસ મથકમાં ૩૪, ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ૭૬, કૂવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં ૧૦, બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ૭૨, પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાં ૪૭ અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં ૩૧ રાસોત્સવના આયોજન થશે. દરમિયાન મોટાપાયે ગરબી તેમજ રાસોત્સવનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે તેમાં છાકટાબાજોને
સખણા’ રાખવા માટે આ વર્ષે `શી-ટીમ’ની સંખ્યા વધારીને ૧૬ કરવામાં આવી છે. આ સાથે જ ડીસીબી, પીસીબી, એસઓજી સહિતની મહત્ત્વની બ્રાન્ચનો સ્ટાફ ખાનગી ડે્રસમાં તૈનાત રહેશે.
નવેય દિવસ સુધી પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના ઓબ્ઝર્વેશન હેઠળ ડીસીપી ઝોન-૧, ડીસીપી ઝોન-૨, ડીસીપી (ક્રાઈમ) બંદોબસ્તનો મોરચો સંભાળશે તો ટ્રાફિક ડીસીપી દ્વારા રાસોત્સવ પહેલાં અને રાસોત્સવ બાદ કોઈ પ્રકારની ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનને સાંજે ૭:૩૦ વાગ્યાથી ટ્રાફિક પોઈન્ટ પર હાજર થઈ જવા આદેશ આપી દેવામાં આવ્યો છે.
અલગ-અલગ પોલીસ મથક તેમજ મહત્ત્વની બ્રાન્ચ દ્વારા રાત્રે ૮ વાગ્યાથી જ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે સાથે સાથે હોટેલ, ગેસ્ટ હાઉસ સહિતનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.
૧૫ અર્વાચીન રાસોત્સવે ડેકલેરેશન કર્યું: હવે ચેકિંગ શરૂ કરાશે: અમિત દવે
મહાપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે તા.૩૦ સુધીમાં ૧૫ અર્વાચીન રાસોત્સવ દ્વારા ડેકલેરેશન મતલબ કે સોગંદનામું રજૂ કરી દેવામાં આવ્યું છે. આ સોગંદનામામાં તેમણે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો રાખ્યા છે, એન્ટ્રી-એક્ઝિટ ગેઈટ સહિતની રૂપરેખાનું વર્ણન કર્યું છે. આ ડેકલેરેશન થઈ ગયા બાદ હવે મહાપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવશે અને તમામ પાસાંઓ ચકાસ્યા બાદ જો તેમાં પૂર્તતા હશે તો મહાપાલિકાનું ફાયર એનઓસી ઈશ્યુ કરી દેવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં ૨૪ શી-ટીમ, ૮૦૦ જવાનો સંભાળશે બંદોબસ્ત
ડીઆઈજી જયપાલસિંહ રાઠૌરે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં અલગ-અલગ ૨૪ પોલીસ મથક આવેલા છે તેમના વિસ્તારમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેલૈયાઓ મુક્તમને રાસનો આનંદ ઉઠાવી શકે અને છેલબટાઉ તત્ત્વોને કાબૂમાં રાખવા માટે ૨૪ શી-ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ૮૦૦થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત સંભાળશે.