અમીન માર્ગ પર `ફૂડ પોસ્ટ’માંથી ૪૫ કિલો જીવાતયુક્ત લોટ મળ્યો !
આઝાદ હિન્દ, રામ ઔર શ્યામ ગોલામાંથી ઢગલા મોઢે પડતર માવો, માવાની રબડી સહિતના જથ્થાનો નાશ: ત્રણ સ્થળેથી નમૂના લેવાયા
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા આક્રમક બનીને અખાદ્ય તેમજ ભેળસેળિયા તત્ત્વો ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે જેના કારણે ધંધાર્થીઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. જો કે હજુ અમુક નફાખોરો લોકોના આરોગ્યની પરવાં કર્યા વગર બેરોકટોકપણે હલકી તેમજ વાસી વસ્તુઓ ધાબડી જ રહ્યા હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે. દરમિયાન ફૂડ શાખાએ અમીન માર્ગના છેડે ગિરિરાજ હોસ્પિટલ સામે આવેલી ફૂડ પોસ્ટમાં તપાસ કરતાં ત્યાંથી ૪૫ કિલો જીવાતવાળો લોટ, ૫ કિલો વાસી સલાડ-ગ્રેવી અને પાંચ કિલો અખાદ્ય બેકરી પ્રોડક્ટસ મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૈયા રોડ પર આશરા ચેમ્બરમાં આવેલા સિટી આઈસ્ક્રીમમાંથી રાજ બ્રાન્ડ અખાદ્ય ૧૦૦ નંગ કેન્ડીનો નિકાલ કરાયો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ પર રામ ઔર શ્યામ ગોલામાંથી સ્ટ્રોબેરી ફ્લેવરનું ગોલા માટેનું સીરપ, કાલાવડ રોડ પર જલારામ પેટ્રોલ પંપ પાસે રોયલ પેલેસમાં આવેલા રામ ઔર શ્યામ ગોલામાંથી કાચી કેરી ફ્લેવરનું સીરપ અને મહિલા કોલેજ અન્ડર બ્રિજની ઉપર આવેલા જય ભવાની ગોલામાંથી કાચી કેરી ફ્લેવરના સીરપનો નમૂનો લેવામાં આવ્યો હતો.
ગોલા ડ્રાઈવમાં ક્યાંથી શું પકડાયું ? ગોલાની દુકાન પકડાયેલો જથ્થો
આઝાદ હિન્દ ગોલા-ત્રિકોણ બાગ ૩ કિલો પડતર માવાની રબડી
રામ ઔર શ્યામ ગોલા-પેલેસ રોડ ૫ કિલો પડતર માવાની રબડી
ગાત્રાળ ગોલા-બોલબાલા માર્ગ ૩ કિલો પડતર માવાની રબડી
રામ ઔર શ્યામ ગોલા-ભક્તિનગર ૫ કિલો પડતર માવાની રબડી
રામ ઔર શ્યામ ગોલા-કોઠારિયા રોડ ૫ કિલો પડતર માવાની રબડી