પીએમ સૂર્યઘર ! રાજકોટમાં 3 દિવસમાં 423 લોકોએ કેમ્પમા જાણકારી મેળવી
ઘરે-ઘરે સોલાર વીજ પેનલ લગાવવા જનજાગૃતિ માટે મહાનગર પાલિકાનું વોર્ડ વાઈઝ અભિયાન
રાજકોટ : રાજકોટ શહેરમા વધુને વધુ લોકો પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવે તેવા ઉમદા હેતુથી પીજીવીસીએલના સહયોગમાં રાજકોટ મહાનગર પાલિકા આગળ આવી વોર્ડવાઇઝ કેમ્પ યોજી રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ શહેરના 423 નાગરિકોએ સોલાર વીજ પેનલ અંગે જાણકારી મેળવી હોવાનું સામે આવ્યું છે.
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજનાનો વધુ ને વધુ શહેરીજનો લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી “પી.એમ.-સૂર્ય ઘર: મફત વીજળી” યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.૦૩-૧૨-૨૦૨૪ થી તા.૨૪-૧૨-૨૦૨૪ સુધી આયોજન કરેલ છે. જે અંતર્ગત ગુરુવારે વોર્ડ નં.૩માં આસ્થા ચોક, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર, રાજકોટ ખાતે કેમ્પ યોજાયો હતો.જેમાં અંદાજિત ૧૪૭ નાગરિકો હાજર રહ્યા હતા.
આજના કેમ્પમાં કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, વોર્ડ પ્રભારી જીતુભાઈ પંડ્યા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જી. બી.ડી.જીવાણી તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારી-કર્મચારીઓ, આરોગ્ય શાખાની ટીમ, સોલાર ફીટીંગ કરતી વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં દ્વારા પી.જી.વી.સી.એલ.ના ટેકનીકલ અધિકારીઓ દ્વારા નાગરિકોને પીએમ સુર્યઘર: મફત વીજળી યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.