રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 39,000 શિક્ષકોની જગ્યા ખાલી
સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે તેમ છતાં પણ મોટી સંખ્યામાં શિક્ષકોની અછતના લીધે ક્યાંથી ભણશે બાળકો?
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 39000 શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. ગઈકાલે છ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ મૂકી દીધાનો આંકડો બહાર આવ્યો છે તો બીજી તરફ એવી વાસ્તવિકતા પણ સામે આવી છે કે 39000 શિક્ષકોની જગ્યા ખાલી છે.
શિક્ષણ વિભાગ દ્વારા અવારનવાર ભરતીની પ્રક્રિયા હાથ ધરે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તેમ છતાં રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકોની અછત હોવાનું ચિત્ર સામે આવ્યું છે જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 23 હજાર કરતાં પણ વધુ જગ્યાઓ અને સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 15,000 કરતાં પણ વધુ જગ્યા ખાલી છે.
શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં 13852 જગ્યાઓ ભરવા માટેની કામગીરી શરૂ કરાશે,ભરતીની કાર્યવાહી બાદ પણ શિક્ષકોની જગ્યા ખાલી થશે કારણ કે આગામી સમયમાં નિવૃત્ત થનારા શિક્ષકોની સંખ્યા 10,000 ને વટાવી જશે.
