આગ લાગે ત્યારે નહીં, તે પહેલાં જ ફાયર વિભાગમાં ૩૧૯ની કરાશે ભરતી
ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, ફાયર ઓપરેટર સહિતની જગ્યા પર ૭ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાનો ફાયર વિભાગ અનહદ બદનામ થયો છે. આ વિભાગના ત્રણ અધિકારી અત્યારે જેલમાં સળીયા ગણી રહ્યા છે તો એક અધિકારીએ કાંટાળો તાજ પહેરવાની જગ્યાએ રાજીનામું આપી દીધું છે. એકંદરે આ વિભાગની કામગીરી અત્યારે હાલકડોલક થઈ રહી છે ત્યારે મહાપાલિકા દ્વારા હવે આ વિભાગમાં કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકંદરે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જગ્યાએ આગ લાગે તે પહેલાં જ તૈયારી કરી લેવાનું તંત્ર દ્વારા મુનાસીબ માનીને આ ભરતી જાહેર કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ચાર ડિવિઝનલ ફાયર ઓફિસર, પાંચ સ્ટેશન ઓફિસર, ૩૫ સબ ઓફિસર, ૨૪૭ ફાયર ઓપરેટર (પુરુષ) મળી ૩૧૯ જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો આજથી તા.૭ નવેમ્બર સુધી મહાપાલિકાની ઓનલાઈન વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો હોય આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ઝડપથી આગના સ્થળ સુધી પહોંચી શકાય તે માટે સ્ટાફની તાતી જરૂરિયાત હોવાને કારણે આ ભરતી કરવામાં આવનાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
