3 DMCથી લઈ પિયુન સુધીના તમામની આવકના હિસાબ કઢાશે
પોતાના-પરિવારના નામની મિલકત, વાહન, પ્લોટ સહિતની વિગતો મેળવશે એસીબી: વન બાય વન બધાના નિવેદન નોંધાઈ શકે
અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટના બાદ પોલીસ તપાસ વેગવંતી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગેઈમ ઝોનના સંચાલકો સહિત ૯ લોકોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. ખાસ કરીને મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા કે જેને આ ઘટના પાછળ મુખ્ય જવાબદાર ગણવામાં આવી રહ્યો છે તેના પાસે અઢળક સંપત્તિ હોવાની ચર્ચાઓ શરૂ થતાં એસીબીએ તેના મુળ સુધી જઈ દૂધનું દૂધ પાણીનું પાણી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે મહાપાલિકામાં ક્લાસ-૧ અધિકારીથી લઈ વર્ગ-૪ સુધીના તમામની આવકના હિસાબની કુંડળી કાઢવાની દિશામાં કાર્યવાહી ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત વર્ગ-૪ સુધીના અધિકારી-કર્મીની પોતાના-પરિવારના નામની મિલકત કેટલી છે, આ મિલકત કેવી રીતે ખરીદી તે સિવાય તેમના નામના વાહન, પ્લોટ સહિતની ઝીણામાં ઝીણી વિગત એસીબી દ્વારા મેળવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે અધિકારીઓ-કર્મચારીઓના નિવેદન પણ નોંધાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ માટે પહેલાં ટેક્નીકલ અને ત્યારબાદ વહીવટી શાખાનો વારો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વેસ્ટ ઝોનમાં ફરજ બજાવતાં વોર્ડ ઓફિસરો, મેનેજર, ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફનું નિવેદન પણ નોંધવામાં આવી શકે છે. આ માટેની યાદી એસીબીએ મેળવી લીધી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરાશે.