બસ હવે માત્ર ૫૦ કલાક બાકી : પછી આર યા પાર
સાત તબક્કામાં ૫૪૩ બેઠકો ઉપર મતદાન પૂરું થયા બાદ હવે બધાની નજર ૪ જુન ઉપર કેન્દ્રિત
દરેક રાજ્યોમાં એક સાથે થશે મત ગણતરી
૧૧ વાગ્યા સુધીમાં ટ્રેન્ડ ખબર પડી જશે
૧ વાગ્યાથી પરિણામ આવવા લાગશે
લોકસભાની ચૂંટણીનું સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું છે અને હવે બધાની નજર ચોથી જુને આવનારા પરિણામ ઉપર કેન્દ્રિત થઇ છે. આજે રવિવાર છે અને મંગળવારે સવારે ૮ વાગ્યાથી મત ગણતરી શરુ થશે એટલે કે હવે માત્ર ૫૦ કલાક જેટલો સમય બાકી છે. ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર, ૮ વાગ્યે બેલેટ પેપરની ગણતરી થશે અને મોટાભાગે ૮-૩૦ વાગ્યાથી ઈવીએમના વોટની ગણતરી શરુ થઈ જશે. પ્રથમ બે-અઢી કલાકમા જ એટલે કે ૧૧ વાગ્યા સુધીમાં ટ્રેન્ડ ખબર પડી જશે અને ૧ વાગ્યાથી પરિણામ આવવા પણ શરુ થઇ જશે.
આ સુત્રોના જણાવ્યા અનુસાર, ૧ વાગ્યા પછી જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ કેન્દ્રમાં કોની સરકાર રચાશે તે ચિત્ર સ્પષ્ટ બનતું જશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. હેટ્રિક કરીને ફરીથી સત્તા પ્રાપ્ત કરે છે કે ઇન્ડિયા ગઠબંધનની આશા પૂરી થાય છે તે જોવાનું રહે છે. સાથો સાથ જો એન.ડી.એ.ની સરકાર આવે છે તો ભાજપને ૩૭૦ અને એન.ડી.એને ૪૦૦ પ્લસ મળે છે કે કેમ તે પણ જોવું રસપ્રદ રહેશે. ઇન્ડિયા ગઠબંધન પણ ૨૭૨ બેઠક મેળવીને સરકાર રચવા માટે આશાવાદી છે.
5 જુને રાષ્ટ્રપતિ મોદી સરકારને આપશે ફેરવેલ ડીનર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી ૫ જુને નરેન્દ્ર મોદી સરકારને ફેરવેલ ડીનર આપશે. આ એક પરંપરા છે જે વરસોથી ચાલી આવે છે. આમ તો નવી સરકાર કોની બને છે તે સ્પષ્ટ થઇ જ ચુક્યુ હશે આમ છતાં આ પ્રકારનું ફેરવેલ ડીનર રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. ૧૬ જુને વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થાય છે તેથી તે પહેલા જ નવી સરકારની શપથવિધિ પૂરી થઇ હશે. સુત્રોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદી ૧૩ જુને વિદેશ યાત્રાએ જવાના છે તેથી તે પૂર્વે જ શપથવિધિ યોજાઈ જશે.