૨૬થી ૨૯ ફેબ્રુ. સુધી આયુષ્યમાન કાર્ડ ધરાવતાં એકેય દર્દીને દાખલ નહીં કરાય !…વાંચો કારણ
સરકાર દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલોને ચૂકવણું કરવામાં આવતું ન હોવાથી લેવાયેલો નિર્ણય
રાજકોટ સહિત આખા ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીને સારવાર આપ્યા બાદ સરકાર દ્વારા હોસ્પિટલને માત્ર પાંચથી દસ ટકા જેટલું જ ચૂકવણું કરવામાં આવ્યું હોય આ નીતિરીતિના વિરોધમાં હોસ્પિટલો દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૬થી ૨૯ ફેબ્રુઆરી સુધીના ચાર દિવસ દરમિયાન આયુષ્યમાન કાર્ડ ધરાવતાં હોય તેવા એક પણ દર્દીને દાખલ નહીં કરવાનો નિર્ણય પીએમ-જય એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશન-ગુજરાત દ્વારા લેવાયો છે.
હોસ્પિટલોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા પૂરતું ચૂકવણું ન કરવામાં આવતા હોસ્પિટલો જ વેન્ટીલેટર પર મુકાઈ ગઈ છે. આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગત કરવામાં આવી રહી છે. આ અંગેની અધિકારીઓ અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવી રહ્યું ન હોવાથી ગુજરાતની હોસ્પિટલો તા.૨૬થી ૨૯ ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને સારવાર આપશે નહીં. આ નિર્ણયને કારણે દર્દીઓએ સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે.
હોસ્પિટલોના મતે આ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હોય આરોગ્ય મંત્રીએ તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ.
