સોખડામાં ૨૫,૦૦૦ વૃક્ષો લહેરાશે: ઘનઘોર ‘વન’ બનશે
૩૦ કી.મી.માં પાંજરાવાળા વૃક્ષોના વાવેતર સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટો લીલોછમ્મ વિસ્તાર બનશે
૪ વર્ષમાં વડલાની વડવાઈ, પીપળાનો પર્ણમુકુટ, સદાબહાર, બારમાસી વટવૃક્ષ સાથે પશુ પંખી નો કલરવ અને સોળે કળાએ લીલી પ્રકૃતિનું સૌંદર્ય માણવાની તક આપણને સૌને `સદ્ભાવના’ના સાથથી મળશે
પહાડ ચીરીને પર્યાવરણનું પોષણ રવાનો વિજય ડોબરીયાનો મહાયજ્ઞ: `વોઇસ ઓફ ડે’નું વિશેષ કવરેજ
“કલરવ કુદરતી જ હોય..!
શીતળતા છાંયા ની જ હોય….!
વૃક્ષ ધરતીનો આભૂષણ છે ને અલંકાર જિદગીનો..!
જેનું જતન કરવું ઘડીભર ના ભુલાય….!!!”
આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ….. આ વાત આગામી થોડા વર્ષોમાં સાકાર થશે, રાજકોટની ભાગોળે એક સાથે એક જ સ્થળે ૨૫૦૦૦ વૃક્ષો મોટા થઈ રહ્યા છે, જ્યાં જ્યાં લોકોની નજર પડશે ત્યાં ત્યાં વડલાની વડવાઈ, પીપળાનો પર્ણમુકુટ, સદાબહાર અને બારમાસી વટવૃક્ષ સાથે પશુ પંખી નો કલરવ અને સોળે કળાએ લીલી પ્રકૃતિનું સૌંદર્ય માણવાની તક આપણને સૌને ‘સદભાવના’ના સાથથી મળશે, રાજકોટ નજીક આવેલું સોખડા-નાગલપુર ગામના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં ૨૫૦૦૦ જેટલા વૃક્ષો સાથેનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લીલોછમ્મ વિસ્તાર બનશે.જેની સાક્ષી બની “વોઇસ ઓફ ડે”ની ટીમ..
પહાડ ચીરીને પર્યાવરણને પોષણ કરવાનો મહાયજ્ઞ ચલાવનાર, છેલ્લા દસ વર્ષમાં ૩૦ લાખ જેટલા વૃક્ષોને સંતાન રૂપી વાત્સલ્ય આપી મોટા કરનાર અને હવે સમગ્ર દેશમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી પોતાની સાથે સૌને આ સતકાર્યની સદભાવના કરનાર અને “ગ્રીનમેન”ની ઉપમા ધરાવતા કદ નાનું પણ વડીલો અને વૃક્ષોની સદભાવના સાથે વિરાટ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ ડોબરીયા પ્રકૃતિ, પર્યાવરણ માટેના પંથ પર ચાલી નીકળ્યા છે તેમાં ધીમે ધીમે લોકો પણ જોડાઈ રહ્યા છે જેના લીધે આ કાર્ય ઝડપી આગળ વધી રહ્યું છે.
પડધરી પાસેના પોતાના વતન ફતેપરથી ૧૦૦૦ વૃક્ષોથી વાવેલું બીજ આજે ધીમે ધીમે વધુ વૃક્ષ બની રહ્યું છે પણ તેને દેશભરમાં ૧૫૦ કરોડ વૃક્ષો સાથે વિશાળ વટ વૃક્ષ બનાવવાનું છે. રાજકોટ નજીક સોખડા ગામ પાસે ખરાબાની પથરાળ જમીનમાં જ્યાં જેસીબી મશીન પણ ન ચાલે તેવા આ ૧૦૦-૧૦૦ એકરના વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૨૫ હજાર વૃક્ષોને વાવીને તેને ૨૦ ફૂટના કરી દીધા છે. આ કાર્ય વિશે તેમને “વોઇસ ઓફ ડે’સાથે વાત કરતા જણાવ્યું કે, મારૂ સ્વપન છે કે ૨૦ વર્ષમાં ૧૫૦ કરોડ વૃક્ષ સાથે આખું ભારત હરિયાળું બની જાય જેના માટે સૌએ સાથ આપવો પડશે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એકલ વ્યક્તિનું કામ નથી, સૌપ્રથમ આખું ગુજરાત ગ્રીન કરીશું, જેના માટે ગુજરાતમાં આગામી ૧૦ વર્ષમાં પાંચ કરોડ વૃક્ષાનો વાવેતર થશે, ત્યારબાદ અન્ય રાજ્યોમાં વૃક્ષ અભિયાન શરૂ કરીશું.
જેમ બાળકને મોટા કરવા માટે તેમના માટે સમય આપવો પડે છે તેમ આ વૃક્ષોનું જતન કરવા માટે ચાર વર્ષ સુધી આપણે વાત્સલ્ય આપો એટલે આ વડ,પીપળો,લીમડો ૨૦૦ વર્ષ સુધી તેમની ટાઢક આપે છે, હવાને શુદ્ધ કરે છે તો પ્રાણીઓને તેના પાંદડા ખવડાવે છે આથી આ વૃક્ષોને અનશ્વર માનવામાં આવે છે.
વડીલોની સેવા ઘણા વર્ષોથી સદભાવના આશ્રમ કરી રહ્યું છે ત્યારે વૃક્ષ વાવેતરનો વિચાર કઈ રીતે આવ્યો તે વિષય વિજયભાઈ કહે છે કે, દેશને આઝાદ થયા તેને ૭૫ વર્ષ થયા, દર વર્ષે સરકાર વૃક્ષારોપણ માટે કરોડો રૂપિયા ખર્ચે છે પણ તેની સામે દિવસે અને દિવસે વૃક્ષો ઘટી રહ્યા છે. બસ ત્યારે વિચાર આવ્યો કે વૃક્ષ વાવો તો વૃક્ષ તમને બચાવશે એમના નાના એવા ગામથી આવ ઝુંબેશ શરૂ કરી.
એક પણ ઝાડ સુકાવું ન જોઈએ..જેની પાછળ માઇક્રોમેનેજમેન્ટ અને હાઈટેક ટેકનોલોજી
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૦ લાખ વૃક્ષો સદભાવનાના સથવારે મોટા થઈ રહ્યા છે જેમાં વિજયભાઈનું માઇક્રો મેનેજમેન્ટ મહત્વપૂર્ણ સાબિત થયું છે. કઈ જગ્યાએ વૃક્ષ વાવો તેના માટે વિજયભાઈ અને તેમની ટીમ જગ્યા જોવાથી લઈ સર્વે અને પ્રક્રિયા કરવા માટે નીકળી પડે છે, અત્યારે વૃક્ષ વાવો અભિયાનમાં ૪૦૦ટેન્કર, ૪૦૦ ટે્રક્ટર,૧૬૦૦ જેટલો સ્ટાફ કામ કરે છે, આ તમામ કર્મચારીઓ ને ટ્રસ્ટ દ્વારા પગાર આપવામાં આવે છે પણ તેમની પાસેથી કઈ રીતે કામ લેવું તેમના માટે વિજયભાઈની આવડત કામ કરે છે, અલગ અલગ સ્થળો પર વૃક્ષોનું કામ ચાલી રહ્યું છે જેનું નિરીક્ષણ એક જ જગ્યાએથી ટ્રસ્ટની ટીમ કામ કરે છે. જેના માટે હાઈટેક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, કયો કર્મચારી કઈ જગ્યાએ કયા વૃક્ષની માવજત કરે છે તો કયું ટે્રક્ટર કે ટેન્કર કયા રૂટ ઉપર ચાલી રહ્યું છે તે તમામ વોચ આ ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળ ૧૩૦ મેનેજર અને સુપરવાઇઝર ૧૬૦૦ જેટલા કર્મચારીઓ સાથે સતત સંકલનમાં રહે છે એક પણ ઝાડ સુકાઈ ન તેના માટે નાનામાં નાની કાળજી રાખવામાં આવે છે. આ બધા કર્મચારીઓને એક પરિવારની જેમ સાચવવામાં આવે છે. ખાવા ,પીવાથી લઈ રહેવા માટેની તમામ સુવિધા ટ્રસ્ટ પૂરી પાડે છે.
૫,૦૦,૦૦૦ લોકોએ પોતાનાં સ્વજનના નામે વૃક્ષ વાવ્યાં
એક વૃક્ષ માટે ૩,૦૦૦ નો ખર્ચ દાતા પરિવાર આપે છે અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોએ પોતાના સ્વજન ના નામે વૃક્ષ વાવ્યા છે, પરિવારમાં કોઈ પણ સભ્યના જન્મદિવસ હોય તો તેમને શુભેચ્છા આપવા માટે તેમના નામથી વૃક્ષ વાવ્યા છે તો ઘણા સંતાનોએ પોતાના માતા પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આશયથી તેમની સ્મૃતિમાં વૃક્ષો વાવ્યા છે. તેમની ટીમ દ્વારા દર ત્રણ મહિને વૃક્ષનો ફોટો મોકલવામાં આવે છે ચાર વર્ષ સુધી દરેક દાતાઓને તેમના પરિવારના નામથી બનેલા આ વૃક્ષ ના ફોટા મોકલી આપીએ છીએ, ટ્રસ્ટ દ્વારા એવો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એક એક વૃક્ષની તમામ માહિતી દર્શાવવામાં આવેલી હોય છે વૃક્ષ ના પાંજરા ની બહાર જે તે દાતાની પ્લેટ સાથે એ વૃક્ષને નંબર અપાયો હોય છે.
ડાયમંડનગરી સુરતને હરિયાળું બનાવશે સદ્ભાવના
રાજકોટની ઓનિક્સ સોલાર કંપની દ્વારા એક લાખ વૃક્ષો વાવવા માટે સદભાવના ટ્રસ્ટને અનુદાન કરવામાં આવ્યું છે તેવી જ રીતે સુરતની જે. કે. સ્ટાર ડાયમંડ ગ્રુપ દ્વારા આખા સુરતને ગ્રીન બનાવવાનું ભગીરથ કાર્ય સદભાવના ટ્રસ્ટને આપવામાં આવ્યું છે આ કંપની દ્વારા સુરતમાં એક લાખ વૃક્ષો વાવવાનું તેમનું સ્વપન સદભાવના પૂરું કરશે, આ વિશે વિજયભાઈ એ જણાવ્યું હતું કે હવે ઝુંબેશમાં કંપનીઓ પણ પોતાની સીએસઆર પ્રવૃત્તિ સાથે જોડાઈ રહી છે, લોકોની સાથે કંપનીઓ પણ આ રીતે ગ્રીન ગુજરાત બનાવવા સાથ આપી રહી છે.
બર્થ ડે-એનિવર્સરીમાં કેક કાપવાની સાથે `મારા નામનું એક વૃક્ષ’ વાવવાનો સંકલ્પ કરે
વિજયભાઈ એ અપીલ કરી છે કે, આવનારી પેઢીને પર્યાવરણ સંકટનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ તેનો પાયો નાખવો જરૂરી બન્યો છે. નવી પેઢીને વૃક્ષ હશે તો શ્વાસ હશે આ સમજાવું આપણી જવાબદારી છે ત્યારે મારી એટલી જ અપીલ છે કે જન્મદિવસ કે એનિવર્સરી પર કેક કાપવાની સાથે મારા નામનું પણ એક વૃક્ષ હોય તેઓ સંકલ્પ કરી આ અભિયાનમાં જોડાવો જેના લીધે નવી પેઢી અને નાના જીવોની સેવા પણ થઈ શકશે. હવે લગ્ન પ્રસંગે કે બર્થ ડે પર ગિફ્ટ કે કવર આપવાની પ્રથા પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે વ્યવહારને સામાજિક જવાબદારી સાથે જોડી તેમના નામનું એક વૃક્ષ વાવો તો સૌ સાથે મળીને આપણા સૌનું આ સ્વપન સાકાર કરી શકે તેમ છીએ.
ટી.આર.પીના દિવંગત અને ચક્ષુદાતાઓના નામનાં છે વૃક્ષ
સોખડા પાસે બની રહેલા આ જંગલમાં ટીઆરપીના અગ્નિકાંડમાં જે લોકોના ભોગ લેવાય લેવાયા છે તે સદગત આત્માઓના નામે વૃક્ષ વાવી અંજલી અર્પણ કરવામાં આવી છે. રાજકોટના લખન ગ્રુપ દ્વારા ટીઆરપી ઘટનાના દિવંગત આત્માઓના નામે એક એક વૃક્ષ વાવવામાં આવ્યા છે આ ઉપરાંત સદભાવના ટ્રસ્ટ દ્વારા જે સદગતઆત્મા ચક્ષુદાન કરી બે પ્રજ્ઞાચક્ષુનેને દિવ્ય દ્રષ્ટિ આપે છે, તે ચક્ષુદાતાના નામે સદભાવના વૃક્ષ વાવીને તેમની સ્મૃતિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.