રાજકોટના જયપાલસિંહ રાઠોડ સહિત રાજ્યના ૨૫ IPS અધિકારીઓની બદલી
અમરેલી જિલ્લાના એસપી હિમકરસિંહની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી: જયપાલસિંહને અમદાવાદના ઍડીશનલ કમિશનર તરીકે મૂકાયા
શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત રખાયા: રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો
TRP અગ્નિ કાંડમાં દાઝી ગયેલા રાજકોટના પૂર્વ ડીસીપી સુધિર દેસાઈને આઇબીમાં જ્યારે વિધિ ચૌધરીને અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો
ગુજરાત સરકાર દ્વારા ગઈકાલ મોડી સાંજે એક સાથે ૨૫ IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને સોંપવામાં આવ્યો છે. રાજકોટના જયપાલસિહ રાઠોડને અમદાવાદના ઍડીશનલ કમિશ્નર તરીકે અને અમરેલી જિલ્લાના એસપી હિમકરસિહની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી કરવામાં આવી છે.
કેટલાક અધિકારીઓને વેઇટિગ ફોર પોસ્ટિગ અમદાવાદ શહેરના ત્રણ IPS અધિકારીઓની બદલી બહાર કરવામાં આવી છે. જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિગ ફોર પોસ્ટિગ રાખવામાં આવ્યા છે.
રાજકોટ TRP અગ્નિકાંડ બાદ સરકારે આકરા પગલાં લીધા હતા. જેમાં વિધિ ચૌધરી અને સુધીર દેસાઈની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘણા સમયથી તેઓ મુખ્ય પોસ્ટિગ વિના હતા, ત્યારે આ વખતની બદલીના હુકમમાં તેમના નામનો સમાવેશ થયો છે.જેમાં સુધિર દેસાઈને આઇબીમાં જ્યારે વિધિ ચૌધરીને અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર ૨ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે, ત્યાર બાદ અમદાવાદના ઝોન ૧ અને ઝોન ૨ ડીસીપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બદલી થયેલા બીજા IPS અધિકારીને વેઇટિગ ફોર પોસ્ટિગ રાખવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાંથી ઝોન ૧ ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન ૨ શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ૨૫ IPS અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે આગામી નજીકના દિવસોમાં વધુ એક બદલીનો લીથો જાહેર કરવામાં આવશે. જેમાં બીજા લીથાની અંદર સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા IPS અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે.