શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો: ધૂળની ડમરી ઊડતા વાહનચાલકો પરેશાન
સતત ત્રીજા દિવસે વાતાવરણમાં ફેરફાર: સવારથી જ ગરમીનું જોર વધ્યું
રાજકોટમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં ફેરાફર જોવા મળ્યો હતો. સવારથી જ વાતાવરણમાં ગરમી અનુભવાઈ રહી હતી. તો બીજી તરફ પવનની ઝડપ ૨૪ કિમી પ્રતિ કલાકની રહેતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્રણેક દિવસથી વાતાવરણમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે. ઠંડીનું જોર ઘટતાની સાથે તાપમાનનો પારો ઉચકાયો છે. બપોરના સમયે અસહ્ય ગરમી શહેરીજનો અનુભવી રહ્યા છે. સોમવારે તાપમાનનો પારો ૩૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે સવારથી જ ગરમીનું જોર વધ્યું હતું. બીજી તરફ પવનની ઝડપ પણ વધી હતી. શહેરમાં ૨૪ કિમીની ઝડપથી પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં ફેરફાર નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અનુભવાય છે જ્યારે બપોરે અસહ્ય ગરમીથી ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. ડબલ ઋતુને કારણે માંદગીના કેસો પણ વધ્યો છે અને સરકારી ઉપરાંત ખાનગી દવાખાનાઓમો તાવ,શરદીના કેસો વધી રહ્યા છે.