રાજકોટ કલેકટરને રૂ.220 કરોડની માનહાનિની નોટિસ
રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની મિલકત જપ્તી પ્રકરણમાં સમીર શાહ દ્વારા કાનૂની જંગ
પેઢીના બંને ભાગીદારોની શાખ-પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા બદલ રૂ.40-40 કરોડ તેમજ બ્રાન્ડ નેમ-બ્રાન્ડ વેલ્યૂને નુકશાનની બદલ રૂ.50-50 કરોડનું વળતર ચૂકવવા કલેકટર અને પૂર્વના મામલતદારને એડવોકેટ દ્વારા નોટિસ
80 જેટલા કામદારોની એક ઝાટકે રોજી રોટી છીનવી લેવા બદલ રૂ.40 કરોડ 15 દિવસમાં ચૂકવી આપવા નોટિસ દ્વારા માંગણી
તાજેતરમાં રાજકોટમાં ભવનગર રોડ પર આવેલી રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને જિલ્લા કલેકટરના આદેશ બાદ પૂર્વના મામલતદાર દ્વારા મિલકતને સીલ મારી તેની કબજો યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના સત્તાવાળાઓને બાકી લોનની રકમ પેટે સોંપી દેવામાં આવ્યા બાદ આ પ્રકરણમાં કાનૂની જંગ ખેલાયો છે. ઉપરોત રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર અને ચેમ્બર ઓફ કોમર્સના તેમજ સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહે તેમના એડવોકેટ દ્વારા જિલ્લા કલેકટર અને પૂર્વના મામલતદારને રૂ.220 કરોડની માનહાનિની નોટિસ પાઠવી છે.
રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની કરોડોની મિલકતની જપ્તી તા.30/9/2023ના રોજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમજ રાગદ્વેષ રાખી જપ્તિની કાર્યવાહી કરવામાં આવી હોવાનું રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના સમીર શાહે તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ દ્વારા કલેકટર તેમજ પૂર્વના મામલતદારને મોકલવામાં આવી છે. બદનક્ષીની નોટિસમાં દર્શાવ્યું છે કે, જપ્તીના લીધે અમારા અસિલને પ્રતિષ્ઠા, માન સન્માન ઉપર વિપરીત અસર પડી છે. રાજ્ય બહાર જ્યાં-જ્યાં ધંધો વેપાર ફેલાયેલો છે તે તમામ સ્થળોએ તેમજ સમાજમાં પ્રતિષ્ઠાને નુકશાની પહોંચી છે.
ઉપરોત કાર્યવાહી કિન્નાખોરી આચરી અસીલ તેમજ તેમની પેઢીને વ્યક્તિગત રીતે બદનામ કરવાના ઈરાદા સાથેનું ગેરકાયદે કૃત્ય કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા રાજમોતી ઓઇલ મિલ જપ્તી પ્રકરણમાં સિક્યુરીટાઈજેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હોવાનો ઉલ્લેખ નોટિસમા કરવામાં આવ્યો છે. ઓઇલ મિલમાં કામ કરતાં 80 જેટલા કામદારોને એક જાટકે બેકાર કરી દીધા છે. જિલ્લા કલેકટર જિલ્લા ન્યાયધીશ હોય કામદારોના કલ્યાણની જવાબદારી તેમના સીરે હોય છે આમ છતાં લેસમાત્ર ગણકારવામાં આવી નથી. એડ્વોકેટે નોટિસમાં જણાવ્યું છે કે, અમારા આસિલની પેઢીની બ્રાન્ડ વેલ્યૂ રૂ.50 કરોડ છે. તેમજ બ્રાન્ડ નેમ રૂ.50 કરોડ હોય તેને પણ નુકસાની પેટે રૂ.50-50 કરોડ અને પેઢીના બંને ભાગીદારોની શાખ અને પ્રતિષ્ઠાને નાશ કરવા બદલ મર્યાદિત રૂ.40 કરોડ અને 80 જેટલા કામદારોની રોજી રોટી છીનવવા બદલ રૂ.40 કરોડ સહિત કુલ રૂ.220 કરોડની નુકશાની પેટે માંગ કરવામાં આવી છે.