રાજકોટ જિલ્લાના 22 માર્ગો હજુ પણ બંધ : 4 ગામ સંપર્ક વિહોણા
ઉપલેટા અને ધોરાજીના 11 અને પડધરી, ગોંડલ તેમજ જસદણના 3-3 ગામના રસ્તા બંધ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય રસ્તાઓ ઉપર કોઝવેના પાણી ભયજનક સપાટીએ વહી રહ્યા હોવાથી વરસાદી વિરામ વચ્ચે હજુ પણ જિલ્લાના 22 માર્ગો બંધ છે આ ઉપરાંત ઉપલેટા તાલુકાના 4 ગામો હજુપણ સંપર્ક વિહોણા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન વિક્રમી વરસાદ વરસી જતા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સુધી 65 માર્ગો બંધ હતા અને જેમ જેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ માર્ગો શરૂ થઇ રહ્યા છે ત્યારે હજુ પણ જિલ્લાના જુદા-જુદા છ તાલુકાના 22 માર્ગો બંધ હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીક વર્તુળોએ જણાવ્યું હતું. સાથે જ ઉપલેટા તાલુકાના ચાર ગામ હજુ પણ સંપર્ક વિહોણા હોવાનું જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ભારે વરસાદ બાદ ગ્રામ્ય માર્ગો ઉપર ધસમસતા પ્રવાહો વહી રહ્યા હોવાથી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના 3, જસદણ તાલુકાના 3, ગોંડલ તાલુકાના 3, જામકંડોરણા તાલુકાના 2, ઉપલેટા તાલુકાના 8 અને ધોરાજી તાલુકાના 3 ગામોના રસ્તા હજુ પણ બંધ હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.