રાજકોટ શહેર-જિલ્લામાં 2184 ધાર્મિક દબાણો
વર્ષ 2010થી અત્યાર સુધીમાં 1 દબાણ રેગ્યુલાઇઝડ કરાયું
જાહેર માર્ગો ઉપર તેમજ અન્ય ધાર્મિક દબાણો દૂર કરવાના હાઇકોર્ટના આદેશ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ નહીં કરવા મુદ્દે સરકારનો જવાબ મંગાવામાં આવ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2010થી અત્યાર સુધીમાં 2184 જેટલા ધાર્મિક દબાણો ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જો કે, કોર્ટના આદેશ મુજબ ધાર્મિક દબાણ કરનાર પાસેથી જગ્યાના પુરાવા મુદ્દે સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં એક ધાર્મિક દબાણને રેગ્યુલાઇઝડ પણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ધાર્મિક દબાણને લઈ સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ હાઇકોર્ટ દ્વારા વખતો વખત રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યો છે ત્યારે ગત માર્ચ માસમાં ધાર્મિક દબાણને લઈ ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા નોટિસો પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 10 વિભાગો દ્વારા સર્વે કરવામાં આવ્યા બાદ શહેર અને જિલ્લામાં કુલ મળીને 2184 ધાર્મિક દબાણો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા દબાણોનો સર્વે કરવામાં આવ્યા બાદ કુલ 81 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા બાદ 36 જેટલા દબાણો રિલોકેટ થયા હોવાનું અને એક દબાણના કિસ્સામાં દબાણ રેગ્યુલાઇઝડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ દબાણો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હોવાનું તેમજ 38 જેટલા દબાણો રાષ્ટ્રીયધોરી માર્ગ ઉપર હોવાની સાથે રાજકોટ ડીઆઇએલઆર દ્વારા પણ 208 જેટલા દબાણો ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.