રાજકોટમાં 4 મહિનામાં 200 ટન ખજૂરનો વેપાર
આ વખતે મોડી ઠંડી, ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં ખજૂરની આવક ઓછી:ખજૂરપાક આ વખતે ‘મોંઘો’ તો પણ શિયાળામાં 250 કરોડનો ખજૂર ખાઈ જાય છે રાજકોટવાસીઓ
નવેમ્બર મહિનો પૂરો થવાની તૈયારી છે તેમ છતાં શિયાળાએ તેનો અદલ મિજાજ બતાવ્યો નથી,જેને કારણે આ સિઝનનો રાજા ગણાતા’ખજૂર’ની માંગ દર વર્ષની સરખામણીએ 30 ટકા ઓછી છે. દિવાળીના તહેવારથી લઈ ધુળેટી સુધી ખજૂરનું વેચાણ 200 ટન જેટલું થઈ જતું હોય છે પણ આ વર્ષે ઇઝરાયેલ અને ઈરાની વચ્ચેના યુદ્ધ તેમજ ઠંડીની શરૂઆત મોડી થતાં ખજૂરના વેચાણને અસર પહોંચી છે.
કડકડતી ઠંડીમાં રાજકોટની માર્કેટમાં ઇરાન અમને ઇઝરાયેલનો ખજૂર વધુ આયાત થાય છે.ત્યાં પણ બંને દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દર વર્ષ કરતાં આ દેશોમાંથી ખજૂરને નિકાસ ઓછી થઈ છે. જેના લીધે 80 રૂપિયા કિલો મળતો ખજૂર અત્યારે 120 કિલોએ મળી રહ્યો છે. દાણાપીઠના વેપારીઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં 12 થી 15 જેટલા હોલસેલના ખજૂરના વેપારીઓ છે. 20 જાતનો ખજૂર રાજકોટમાં આયાત કરવામાં આવે છે, જેમાં ઈરાની,જાયદી, કબકબ જેવા અનેક જાતના ખજૂર આયાત થાય છે.
શિયાળાની સિઝનમાં રાજકોટની બજારમાં 200 ટન ખજૂરની ખપત આરામથી થઈ જાય છે પરંતુ આ વર્ષે ખજૂરની આયાત મોંઘી પડી છે અને ઠંડી પણ ન હોવાના લીધે ૩૦ ટકા વેચાણ ઓછું થયું હોવાનું વેપારીઓ કહે છે. રાજકોટવાસીઓ 250 કરોડથી વધુ નો ખજૂર ખાઈ જાય છે. ખજૂર સાથે સિડલેસ ખજૂર,ખજૂરપાક,ખજૂર ડ્રાયફ્રુટ બોલ સાથે અનેક વેરાઈટી ખજૂરમાં મળે છે.
રમજાન અને હોળીમાં સૌથી વધારે ખજૂર વેચાય
દિવાળીની શરૂઆતથી રાજકોટમાં ખજૂરનું વેચાણ શરૂ થઈ જાય છે જે હોળી ધુળેટી સુધી વધારે ખપત રહેતી હોય છે વેપારીના જણાવ્યા અનુસાર આમ તો આખા વરસ ખજૂરની માંગ રહે છે પણ ઠંડીની શરૂઆત સાથે ખજૂર પાક અને ખજુર ની વિવિધ વાનગીઓ બનવાનું શરૂ થઈ જતું હોવાથી દિવાળીમાં જ ખજૂરની માંગ નીકળે છે. સૌથી વધારે રમઝાન મહિનામાં અને ત્યારબાદ હોળીમાં ખજૂરનું મહત્વ હોવાથી આ બંને તહેવાર દરમિયાન સૌથી વધારે ખજૂરનો વેપાર થતો હોય છે.
આ વખતે આયાતને બ્રેક લાગતાં ભાવમાં વધારો
ઈરાનમાં થતો ખજૂર સૌથી વધારે દુબઈમાં થઈ વાતો હોવાથી દુબઈ ખજૂર ટ્રેડિંગનું હબ ગણાય છે, વર્ષો અગાઉ ખજૂરની આયાત વહાણમાં થતી હતી.દુબઈથી વહાણો મારફત ખજૂર આવતો હતો જે જામનગર બેડી બંદર પર આવ્યા બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોકલવામાં આવતો હતો. હવે ઘણા સમયથી વેપારીઓ ખજૂર આયાત કન્ટેનર મારફત મગાવતા થયા છે. કન્ટેનરના ભાડા અને આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિમાં ખજૂરની આયાત ઓછી થતાં ખજૂર પણ આ વખતે મોંઘો થઈ ગયો છે
