2 કરોડ નો ટેક્સ ન ચૂકવ્યો, જૂનાગઢની જાણીતી દયારામ નંદવાણીની પેઢી ‘ડિફોલ્ટર’
સિમેન્ટના બોગસ બિલ રજુ કરી જીએસટી ચોરી આચરી હતી,એક પણ રૂપિયો ન ચૂકવતા સુઓમોટો સાથે પેઢીનું રજીસ્ટ્રેશન રદ: કોર્પોરેશનએ પણ પહેલાં ટેક્સ ચૂકવો કહી બિલ અટકાવી દીધું
જુનાગઢની જીએસટીની ટીમે સપાટો બોલાવી વર્ષો જૂની પેઢીનું રજીસ્ટ્રેશન રદ કરી દેવાતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે, જાણવા માટે વિગત અનુસાર જૂનાગઢમાં વર્ષોથી કામ કરતી અને જાણીતી એવી દયારામ નંદવાણીની પેઢીએ ટેક્સ ન ચૂકવતા આખરે જીએસટી વિભાગે સુઆમોટો સાથે પેઢીને ડિફોલ્ટર જાહેર કરી છે.
જીએસટીને બે કરોડનો ચૂકવવાનો હતો જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા મુદત પણ આપવામાં આવી હતી તેમ છતાં પેઢીએ ટેક્સ ચૂકવવા માટે નનૈયો ભણી દેતા છેવટે જીએસટીએ શસ્ત્ર ઉપાડી આ પેઢીને ટેક્સ ડિફોલ્ટર જાહેર કરતાં કોર્પોરેશનએ પણ તેના વર્ક કોન્ટ્રાક્ટનું બિલ પણ અટકાવી દીધું છે.
વધુમાં બહાર આવેલી વિગત અનુસાર આ પેઢીને જુનાગઢ કોર્પોરેશનએ સિમેન્ટના ઓર્ડરો આપ્યા છે. જેમાં બોગસ બિલિંગ આચરવામાં આવ્યું હતું. જીએસટીની તપાસ દરમિયાનમાં બોગસ બીલિંગનો ભાંડાફોડ થયો હતો, ડિપાર્ટમેન્ટએ પણ હિયરિંગ દરિમયાન 85 લાખ ટેક્સ અને પેનલ્ટી અને વ્યાજ સાથે 2 કરોડ ચૂકવાના થતાં હતાં,પણ પેઢીએ એક પણ ફદિયું ન ચૂકવાતા પેઢીનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ પહેલાં સરકારનો ટેક્સ ચૂકવો પછી બીલની રકમ મળશે તેવું સ્પષ્ટ કહી દીધું છે.