૧૯એ મનપામાં (નાટક) જનરલ બોર્ડ: કંટાળાજનક’ પ્રશ્નોત્તરી
લોકોને સ્પર્શે તેવા પ્રશ્નો પૂછવાનું ભાજપને સૂઝતું જ નથી: કોંગ્રેસના પ્રશ્નોનો
વારો’ નથી આવતો
મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં દર બે મહિને જનરલ બોર્ડ મળે છે જેમાં સામાન્યજનને નડતા-સ્પર્શતા પ્રશ્નો નગરસેવકો દ્વારા અધિકારીઓને પૂછવામાં આવતા હોય છે. જો કે જ્યારથી મનપામાં ભાજપના ૬૮ કોર્પોરેટરોએ શાસનધૂરા સંભાળી છે ત્યારથી લઈ અત્યાર સુધી મળેલા બોર્ડની કાર્યવાહી એટલી કંટાળાજનક અને ફિક્સિંગયુક્ત' હોય છે કે શહેરીજનો હવે તેને
નાટક’ તરીકે સંબોધન કરવા લાગ્યા છે !
દરમિયાન મહાપાલિકાના સ્થાપના દિવસ એટલે કે ૧૯ નવેમ્બરે જનરલ બોર્ડ મળશે જેમાં દર વખતની જેમ આ વખતે પણ કંટાળાજનક પ્રશ્નોત્તરી જ ચર્ચામાં આવશે. આ વખતે પ્રથમ ક્રમે મગન સોરઠિયાએ અમૃત મિશન તેમજ સરકાર તરફથી મહાપાલિકાને કઈ કઈ ગ્રાન્ટ મળી રહે છે તેવો પ્રશ્ન પૂછયો છે. આ પ્રકારના પ્રશ્ન અગાઉના બોર્ડમાં પણ પૂછાઈ ચૂક્યા હોવા છતાં ફરી તેને પૂછવાની `તસ્દી’ મગન સોરઠિયા દ્વારા લેવામાં આવી છે ! આ સિવાય ભાજપના ૧૬ નગરસેવકોએ ૧૮ પ્રશ્નો તો કોંગ્રેસના બે કોર્પોરેટરોએ ૬ પ્રશ્નો પૂછયા છે.
રાજકોટમાં અનેક એવી સમસ્યા છે જેમાં ઠેર-ઠેર ખડકાઈ ગયેલા દબાણ, ટ્રાફિકજામ, રોડ-રસ્તા સહિતનો સમાવેશ થાય છે પરંતુ આ દિશામાં એક પણ પ્રશ્ન પૂછવાની હિંમત ભાજપના કોર્પોરેટરમાં રહેવા પામી નથી. જ્યારે કોંગ્રેસ દ્વારા તંત્રનો કાન આમળતાં પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ નસીબજોગે તેના પ્રશ્નો ચર્ચામાં આવી શકતા નથી !
આ વખતના જનરલ બોર્ડમાં ૬ દરખાસ્તો પણ સામેલ કરવામાં આવી છે જેના ઉપર નિર્ણય લેવામાં આવશે.
મ્યુ.કમિશનર ૨૫ સુધી રજા પર, બોર્ડમાં હાજર નહીં રહે
મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ તા.૨૫ નવેમ્બર સુધી રજા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. પારિવારિક પ્રસંગ હોવાને કારણે તેમણે માંગેલી રજાને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ૧૯ તારીખે મળનારા બોર્ડમાં તેઓ હાજર રહી શકશે નહીં એટલા માટે તેમના સ્થાને ઈન્ચાર્જ કમિશનર જવાબો આપશે.