એઈમ્સમાં ૩૦ દિ’માં ૧૯૦ સર્જરી: સુરત-વડોદરા-અમદાવાદના દર્દીની સારવાર
૨ મહિનામાં ૫૦૩ દર્દીઓ દાખલ, ૧,૧૬,૮૫૪ લેબ ટેસ્ટ, ૨,૦૪,૧૫૩ ઓપીડી: દરરોજ ૭૦૦થી ૧૧૦૦ દર્દીઓ કરાવે છે નિદાન
૧૧૭૯ દર્દીની ઈમરજન્સી સારવાર: ૧૦થી ૩૧૫ રૂપિયામાં બ્લડ ટેસ્ટ, ૩૦ રૂપિયામાં એક્સ-રે, દાખલ થવાનો એક દિ’નો ચાર્જ ૩૫ રૂપિયા સાથે ભોજન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલ ધમધમતી થઈ ગઈ છે. ૧ જાન્યુઆરી-૨૦૨૧થી અહીં ઓપીડી (આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) શરૂ કરાયા બાદ ૨૫ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઈપીડી (ઈનડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પછી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર-સુવિધાનો વ્યાપ દિવસેને દિવસે વધારવામાં આવી રહ્યો છે ત્યારે ૧ એપ્રિલથી અહીં નાના-મોટા ઓપરેશન કરવાનું શરૂ કરવામાં આવ્યા બાદ ૩૦ દિવસની અંદર જ ૧૯૦ સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ સુરત, વડોદરા, અમદાવાદના દર્દીઓએ પણ એઈમ્સમાં સારવાર મેળવી છે.
એઈમ્સમાં અત્યાર સુધીમાં ૨,૦૪,૧૫૩ ઓપીડી નોંધાઈ છે. જ્યારથી આઈપીડી શરૂ કરાયો છે ત્યારથી દૈનિક ઓપીડી ૭૦૦થી ૧૧૦૦ વચ્ચે થઈ ગઈ છે. બીજી બાજુ અત્યાર સુધીમાં ૧૧૭૯ દર્દીની ઈમરજન્સી સારવાર કરવામાં આવી છે તો બે મહિનાની અંદર ૫૦૩ દર્દીઓને દાખલ કરાયા છે. ૧,૧૬,૮૫૪ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
તા.૧-૪-૨૦૨૪થી તા.૩૦-૪-૨૦૨૪ સુધીમાં ઓર્થોપેડિક મતલબ કે હાડકાને લગત ૨૬ મેજર તો ૧૩ માઈનર સર્જરી કરાઈ છે. આ જ રીતે ૬ જનરલ મેજર તો ૧૭ માઈનર સર્જરી, કાન-નાક-ગળાની ૩ મેજર અને ૫ માઈનર, પ્રસુતાની ૧૪ મેજર, ૩ માઈનર, ઓપ્થોમેલોજીની ૮, ઓ.બી.વાય.ની ૨ મેજર ર્જરી એઈમ્સમાં કરવામાં આવી છે.
એઈમ્સમાં અત્યારે ૧૦થી ૩૧૫ રૂપિયામાં બ્લડ ટેસ્ટ, ૩૦ રૂપિયામાં એક્સ-રે કરવામાં આવી રહ્યો છે તે ૩૫ રૂપિયા પ્રતિદિવસ દાખલ થવાનો ચાર્જ છે જેમાં સારવાર ઉપરાંત ભોજન સહિતનું સામેલ છે.
કયા શહેરના કેટલા દર્દીએ લાભ લીધો
રાજકોટ – ૨,૦૫,૭૮૩
મુંબઈ – ૬
યુપી – ૧
ઓરિસ્સા – ૧
અજમેર – ૧૧
દિલ્હી – ૨૦
બનાસકાંઠા – ૧૨
બેંગ્લોર – ૧
બિહાર – ૧૧
રાજસ્થાન – ૧૦૦
અમદાવાદ – ૨૦૦
ભાવનગર – ૨૩૦
બોટાદ – ૨૮
દેવભૂમિ દ્વારકા – ૧૫૦
દાહોદ – ૩૧
ગાંધીનગર – ૨૦
ગીર-સોમનાથ – ૨૩૦
જામનગર – ૪૨૦૦
જૂનાગઢ – ૧૫૦૦
કચ્છ – ૨૦૦
નવસારી – ૧૦
પોરબંદર – ૩૨૦
સુરત – ૮૬
સુ.નગર – ૭૩૫
વડોદરા – ૫૦
૧૦૭ વર્ષના સમજૂબેન પંચાસરાની સફળ સર્જરી
મવડી વિસ્તારમાં રહેતાં ૧૦૭ વર્ષીય સમજૂબેન જાદવજીભાઈ પંચાસરા ઘરમાં જ પડી જવાને કારણે સાથળના ભાગનું હાડકું તૂટી જવા પામ્યું હતું. આ પછી તેમને એઈમ્સ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી જે સફળ નિવડી હતી. આ સર્જરી ડૉ.અક્ષત ગુપ્તા, ડૉ.રિષિત, ડૉ.કીર્તિ ચૌધરી, ડૉ.સુમિત બંસલ, સીનિયર નર્સિંગ ઓફિસર રવિ સહિતના દ્વારા કરવામાં આવી હતી.