હાર્ટ એટેકનો કાળો કહેર : રાજકોટમાં છેલ્લા ત્રણ માસમાં રોજીંદા હાર્ટએટેકના 15 કેસ સામે આવ્યા
- છેલ્લા ત્રણ માસમાં ૧૦૮માં 1398 કેસ નોંધાયા : ત્રણ વર્ષથી વધતી જતી સંખ્યા
શિયાળામાં હદય રોગના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.જ્યારે આ મામલે છેલ્લા ત્રણ માસના આંકડા 108 દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.જેમાં રોજિંદાના હૃદય રોગના હુમલા આવ્યા હોવાના 15 કેસો સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા ત્રણ માસમાં 1398 કેસ ચોપડે નોંધાયા છે.
રાજકોટ સહિત દેશભરમાં હદય રોગના કેસ સતત વધી રહ્યા છે જે સામાન્ય નાગરિકથી લઈને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી તમામ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા ત્રણેક વર્ષ થયા હદય રોગના કેસ સતત વધતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જ્યારે તે મામલે રાજકોટ 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજરે રાજકોટ જિલ્લામાંથી આવતા હાર્ટ એટેકના કેસ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, જિલ્લામાંથી એક જ દિવસમાં હાર્ટ એટેકના 11 કોલ આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં હાર્ટ એટેકના 1398 કોલ આવ્યા હતા. જેમાં ઓકટોબર મહિનામાં 466 કોલ આવ્યા હતા. નવેમ્બર મહિનામાં 458 કોલ આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં 470 કોલ આવ્યા હતા. વર્ષ 2023માં 4910 દર્દીઓની હાર્ટ એટેક આવ્યો હોવાના કોલ આવ્યા હતા.
જ્યારે આ અંગે હાર્ટ સ્પેશ્યાલીસ્ટે જણાવ્યું હતું કે વધુ પડતી ઠંડીના કારણે લોહીની ધમનીઓ સંકોચાતી હોય છે. જેથી વહેલી સવારે હદયરોગ અને લકવાના કેસ વધારે જોવા મલતા હોય છે. આવા કેસ છેલ્લા ત્રણ વર્ષ થયા વધ્યા છે.
21 વર્ષીય કોલેજ છાત્ર સહિત ત્રણ લોકોને હદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો
શહેરમા 150 ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર પાછળ ભોજલરામ માર્ગ પાસે રૂમ રાખીને રહેતો રાણાખીરસરાનો યુવાન સ્મીત કેતનભાઈ બુટાણી (ઉ.વ.૨૧) સવારે પાંચ સવા પાંચેક વાગ્યે ઘરેથી કોલેજ જવા નીકળ્યો ત્યારે અમીન માર્ગ નજીક એસ્ટ્રોન ચોક પાસે પહોંચ્યો ત્યારે એકાએક ચાલતો ચાલતો ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. બનાવની જાણ થતાં રાજકોટ રહેતાં તેમના પરીચીતો અને કોલેજનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં આશીર્વાદ એપાર્ટમેન્ટ સેટેલાઇટ ચોક મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં ૧ આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતાં સેટેલાઇટ ભરતભાઈ ડાયાભાઇ મોણપરા (ઉ.વ.૪૫) ઘરે ઢળી પડતાં મોત થયું હતું. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. તેઓ ત્રણ ભાઈમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે મોટા ભાઇ સાથે ઇમિટેશનનો વેપાર ધંધો કરતાં હતાં.અને ત્રીજા બનાવમાં કોઠારીયા ગામમાં બસ સ્ટેશન પાસે પોતાના બહેન જયાબેન સખીયા સાથે રહેતાં લાલભાઇ ભીમજીભાઇ ડોબરીયા (ઉ.વ.૫૦) સવારે સોરઠીયા વાડી સર્કલે કૈલાસ મંડપ સર્વિસમાંકામ કરતાં હતાં ત્યારે ત્યાં ઢળી પડતાં મોત થયું હતું. ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.