મનપા થકી ૧૨૮૫ લોકોએ ૧૦,૦૦૦ની લોન લઈ હાથ કર્યા ઉંચા !
તંત્ર લોકોને પગભર' કરવા મથી રહ્યું છે પણ તેનો ગેરફાયદો ઉઠાવનારાનો પણ તૂટો નથી: ૫૬૪૯ લોકોએ ૨૦,૦૦૦ તો ૭૬૨એ ૫૦,૦૦૦ની લોન લઈ કર્યો ખુદનો
વિકાસ’
મહાપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની પીએમ-સ્વનિધિ યોજના થકી શેરી ફેરિયાઓ પોતાની આજીવિકા મેળવી શકે તે માટે બેન્કો મારફતે ૧૦,૦૦૦થી લઈ ૫૦,૦૦૦ સુધીની લોન અપાવવામાં આવી રહી છે. આ યોજનાનો હજારો લોકોએ લાભ લીધો છે પરંતુ ૧૨૮૫ લોકો એવા છે જેમની નીતિ ખાય' જવાની જ હોય તેવી રીતે મનપા થકી બેન્કો પાસેથી ૧૦,૦૦૦ની લોન લીધા બાદ હાથ ઉંચા કરી દેતાં હવે તેમની પાસેથી નાણાં કેવી રીતે કઢાવવા તેની જોગવાઈ માટે દોડધામ ચાલી રહી છે ! પીએમ-સ્વનિધિ યોજના થકી પ્રથમ તબક્ક્ામાં ૧૦,૦૦૦ની લોન ૧૨ મહિનાના હપ્તે આપવામાં આવે છે.
જો આ લોન સમયસર પૂર્ણ કરે તો બીજા તબક્કામાં ૧૮ મહિનાની મુદતે ૨૦,૦૦૦ની લોન અપાય છે અને ત્રીજા તબક્કામાં ૩૬ મહિનાની મુદતે ૫૦,૦૦૦ની લોન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મનપા થકી વિવિધ બેન્કોએ ૨૫૬૯૧ લોકોને ૧૦,૦૦૦ની લોન આપી છે જેમાંથી ૧૨૮૫ લોકો એવા છે જેમણે લોનનો હપ્તો ભરપાઈ જ કર્યો નથી અથવા તો હપ્તો મોડો ભરપાઈ કરી રહ્યા છે ! બીજી બાજુ આ યોજનાની સફળતા પર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં ૫૬૪૯ લોકો એવા છે જેમણે ૧૦,૦૦૦ની લોન સમયસર પૂર્ણ કરીને બીજા તબક્કાની ૨૦,૦૦૦ની લોન મેળવી છે. આવી જ રીતે ૭૬૨ લોકો એવા પણ છે જેમણે બન્ને તબક્કાની લોન સમયસર પૂર્ણ કરી દેતા હવે બેન્ક મારફતે તેમને ૫૦,૦૦૦ની લોન આપવામાં આવી છે. આ લોકો અત્યારે પોતાનો વેપાર-ધંધો વિકસાવીને ખુદનો તેમજ પરિવારનો
વિકાસ’ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે તંત્રવાહકો ડિફોલ્ટરો મતલબ કે લોન પરત નહીં કરનારાની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે હવે હાથ ઉંચા કરી દેનારા લોકો પાસેથી બેન્ક કેવી રીતે રિકવરી કરે છે તે જોવું રહ્યું. ખાસ કરીને આ પ્રકારની લોન સિક્યુરિટી વિના અપાઈ રહી હોવાથી તેનો દુરુપયોગ પણ અમુક લોકો કરી રહ્યા છે.