પાન-ફાકીની પીચકારી મારતાં ૧૨, ગંદકી ફેલાવતાં ૨૪ દંડાયા
૧૦૮ ન્યુસન્સ પોઈન્ટ પરથી ૨૨.૫ ટન, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પરથી ૩.૮ ટન, ચાર વોર્ડના વોંકળાની સફાઈ કરી ૨૫ ટન ગારો-કચરાનો નિકાલ
મહાપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ જોરશોરથી ચલાવાઈ રહી છે. જો કે આ ઝુંબેશને અમુક ગોબરા તત્ત્વો કલંક લગાવી રહ્યા હોય તેવી રીતે હજુ પણ જ્યાં ત્યાં પાન-ફાકીની પીચકારી મારી રહ્યા છે તો મન પડે ત્યાં કચરો ફેંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે. આવા તત્ત્વો સામે તંત્રએ દંડરૂપી ધોકો પછાડવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત વધુ ૩૬ લોકો ઝપટે ચડ્યા છે. મનપાના કેમેરાએ રસ્તા પર ચાલું વાહને પાન-ફાકીની પીચકારી મારી રહેલા ૧૨ તો ગંદકી પેલાવતાં ૨૪ લોકોને ઈ-મેમો ફટકાર્યો છે.
આવી રીતે શહેરના અલગ-અલગ ૧૦૮ ન્યુસન્સ પોઈન્ટની સઘન સફાઈ કરીને ૨૨.૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તો શહેરના અલગ-અલગ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની સફાઈ દરમિયાન ૩.૮ ટન કચરો નીકળ્યો હોવાનું જાહેર કરાયું છે. જ્યારે વોર્ડ નં.૩,૫,૬ અને ૭માં આવેલા વોંકળાની સફાઈ કરીને ૨૫ ટન ગારો અને કચરો નીકળતાં તેનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણેય ઝોનમાં ચેકિંગ દરમિયાન ૪.૯ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તેને જપ્ત કરી લેવામાં આવ્યું છે. ખાસ કરીને મહાપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા ૧૦૦૦ કેમેરા દ્વારા ૧૪૩૧ લોકેશન ચેક કરીને ૩૮૮ સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૨૭ જગ્યાએ વ્યવસ્થિત સફાઈ થઈ રહી ન હોવાનું ધ્યાન પર આવતાં સીસીટીવી કંટ્રોલ રૂમે ફરિયાદી બની અહીં સફાઈ કરાવી હતી.