સૌરાષ્ટ્રમાં 2.25 લાખ ઘરોમાં 1111 મેગા વોટ વીજળીનું ઉત્પાદન
પીએમ સૂર્યોદય યોજના હેઠળ છેલ્લા છ મહિનામાં જ 1.02 લાખ ઘરોમાં સોલાર રુફટોફ ફિટ થયા
આજના સમયમાં વીજળી દિવસેને દિવસે મોંઘી બની રહી છે જેની સામે સરકારે પીએમ સૂર્યોદય યોજના હેઠળ આકર્ષક સબસીડી સાથે સોલાર રુફટોફ યોજના તરતી મુક્તા રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં છેલ્લા છ મહિનામાં જ 1.02 લાખ લોકોએ પોતાના ઘેર સોલાર રુફટોફ લગાવતા હાલમાં સૌરાષ્ટ્રમાં 1111 મેગાવોટ વીજળી સોલાર રુફટોફથી ઉત્પ્ન્ન થઇ રહી છે, અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં કુલ મળી સોલાર રુફટોફની સંખ્યા 2.25લાખને પાર થઇ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં સોલાર રુફટોફ યોજનાની શરૂઆત વર્ષ 2011થી થઇ હતી જો કે, બાદમાં ગુજરાત સરકારે 2022થી આ યોજનાનો વ્યાપ વિસ્તરતા મોંઘી વીજળીથી છુટકારો મેળવવા અનેક કુટુંબોએ સોલાર રુફટોફ યોજના હેઠળ પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ-વપરાશ શરૂ કર્યો હતો સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરી આકર્ષક સબસીડી સાથે યોજના અમલી બનાવતા જ સૌરાષ્ટ્રમાં સોલાર રુફટોફ યોજનામાં લાવ લાવ જેવી સ્થિતિ વચ્ચે છેલ્લા છ મહિનામાં જ 1.02 સોલાર રુફટોફ લાગ્યા છે.
પીજીવીસીએલ કાર્યક્ષેત્ર હેઠળ આવતા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોલાર રુફટોફ રાજકોટ શહેરમાં 19,854 અને રાજકોટ જિલ્લામાં 13,090 રુફટોફ લાગ્યા છે જેના કારણે 120 મેગાવોટ વીજળી ઉત્પાદન વધ્યું છે, અમરેલી સર્કલમાં 7325, અંજાર સર્કલમાં 3540, ભાવનગર સર્કલમાં 11,142, ભુજ સર્કલમાં 4213, બોટાદ સર્કલમાં 3997, જામનગર સર્કલમાં 10,588, જૂનાગઢ સર્કલમાં 10,271, મોરબી સર્કલમાં 5444, પોરબંદર સર્કલમાં 5035, અને સુરેન્દ્રનગર સર્કલમાં 6898 સોલાર રુફટોફ છેલ્લા છ મહિનામાં જ લાગ્યા છે અને નવા સોલાર રુફટોફ લગતા વીજ ઉત્પાદનમાં 371.76 મેગાવોટનો વધારો થતા હાલમાં કુલ સોલાર રુફટોફ વીજ ઉત્પાદન 1111 મેગાવોટ ઉપર પહોંચ્યું છે.
હજુ 53148 ઘરોમાં સોલાર રુફટોફ સ્માર્ટ મીટર લગાવવાના બાકી
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દરરોજ સેંકડોની સંખ્યામાં નવા સોલાર રુફટોફ લગાવવા અરજીઓ થઇ રહી છે, આકર્ષક સબસીડી યોજનાને કારણે છેલ્લા છ મહિનામાં જ 1.02 લાખ સોલાર રુફટોફ અરજીઓ મંજુર કરવામાં આવી છે જે પૈકી 48852 સોલાર રુફટોફને સ્માર્ટ મિત્ર આપવામાં આવ્યા છે જયારે બાકી રહેતા 53,148 ઘરોમાં સ્માર્ટ સોલાર રુફટોફ મીટર લગાવવાની કામગીરી પ્રગતિમાં છે, નોંધનીય છે કે, સોલાર માટેના મીટર ગ્રેટર નોઇડાથી આવત હોય હાલમાં ભારે વરસાદને કારણે મીટર સપ્લાયમાં વિલંબ થઇ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.