જસદણમાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટકેથી મોત
જંગવડ ગામમાં ધો.5માં અભ્યાસ કરતો બાળક ઘરે હતો ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પરિવારે સારવારમાં ખસેડ્યો પણ જીવ ન બચ્યો : બાળકે દસ દિવસ પહેલાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું’તું
હાલ ખાણી પીણી અને બદલાતી જીવનશૈલીની અસર યુવાનોમાં વધુ જોવા મળી રહી છે.ત્યારે યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. જસદણના જંગવડમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે જંગવડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પરિવારે તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો. પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકને તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.

જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, જંગવડ ગામે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી હેતાંશ દવેએ દસ દિવસ પહેલાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું હતું. અચનાક 11 વર્ષીય હેતાંશને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને બાદમાં તેનો જીવ ગયો હતો. હાલ નાની ઉંમર બાળકના હૃદય રોગના હુમલાથી મોતના કારણે બ્રાહ્મણ પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. હાર્ટ એટેક હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.