આણંદપરમાં સરકારી ખરાબામાં બનેલી 10 ઓરડી તોડી પડાઈ
સરકારી ખરાબામાં ઓરડીઓ બનાવી 4-4 લાખમાં વેચાણ !!
અંદાજે એક કરોડની કિંમતની 1000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ તાલુકાના આણંદપરમાં (નવાગામ) જમીન કૌભાંડિયા તત્વોએ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઓરડીઓ બનાવી લઈ 4-4 લાખ રૂપિયામાં વેચાણ કર્યું હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ તાલુકા મામલતદારની ટીમે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી સરકારી ખરાબામાં ખડકાયેલ 10 ઓરડીઓ તોડી પાડી અંદાજે 1 કરોડની કિંમતની 1000 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના આણંદપરમાં (નવાગામ) જયેશ નરવાણીયા નામના શખ્સ દ્વારા રેવન્યુ સરવે નંબર 207 પૈકીની સરકારી ખરાબાની 1000 ચોરસ મીટર જમીન ઉપર ઓરડીઓ બનાવી બનાવી 4-4 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ બાદ રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણા દબાણ નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા સહિતની ટીમે શુક્રવારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે એક કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવવાની સાથે જ સરકારી ખરાબાની જમીનમાં ઓરડી બનાવી વેચાણ મામલે પુરાવા એકત્રિત કરી રેવન્યુ રાહે વસુલાત માટે પણ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.