રાજકોટના લોકમેળાને પ્રથમ વખત 10 કરોડનું વીમાકવચ
વીમામાં ધરતીકંપ, વીજળી અને વરસાદ સહિતના કુદરતી પરિબળો સામે એક્ટ ઓફ ગોડની પણ જોગવાઈ
રાજકોટ : રાજકોટના સુપ્રસિદ્ધ ભાતીગળ જન્માષ્ટમી લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા આ વર્ષે પ્રથમ વખત જ એક્ટ ઓફ ગોડની જોગવાઈઓને સાંકળી લે તેવું રૂપિયા 10 કરોડનું વીમાકવચ લેવામાં આવ્યું છે, સામાન્ય રીતે લોકમેળામાં 5 કરોડ સુધીનો વીમો લેવામાં આવતો હોય છે પરંતુ રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ તંત્રએ મહત્વનો નિર્ણય લઈ 10 કરોડનો વીમો ઉતરાવ્યો છે જેમાં કુદરતી આફતોને પણ સાથે વણી લેવામાં આવી છે.
આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર ધરોહર લોકમેળા માટે રૂપિયા 10 કરોડનું વીમાકવચ લેવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ભાતીગળ લોકમેળામાં આવતા સહેલાણીઓ અને ધંધાર્થીઓની સુરક્ષા માટે પ્રથમ વખત જ 10કરોડનું વીમા છત્ર લેવામાં આવ્યું છે જેમાં કુદરતી અને માનવસર્જિત આફતો સામે રક્ષણ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ભાતીગળ લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને પાંચ દિવસના લોકમેળામાં 10 લાખથી વધુ મુલાકાતીઓ આવતા હોય દરવર્ષે 5 કરોડ સુધીનો વીમો મેળવવામાં આવે છે ત્યારે આ વખતે પ્રથમ વખત જ 10 કરોડનું વીમા કવચ એક્ટ ઓફ ગોડ એટલે કે ધરતીકંપ, વીજળી પડવી જેવી દુર્ઘટનાઓમાં વીમાકવચની સુરક્ષા મળશે.
આઈસ્ક્રીમના તમામ ચોકઠાં વેચાઈ ગયા
લોકમેળામાં આ વર્ષ આઈસ્ક્રીમના 16 સ્ટોલ રાખવામાં આવ્યા હોવાથી સ્થાનિક ધંધાર્થીઓ દ્વારા ચોકઠાની સંખ્યા ઘટાડવા અથવા તો અપસેટ પ્રાઈઝમાં એક લાખનો ઘટાડો કરવાની માંગ કરી હરરાજીનો બહિષ્કાર કરતા તંત્રએ સીધો જ આઈસ્ક્રીમ કંપનીનો સંપર્ક કરતા હાલમાં લોકમેળા માટેના તમામ આઈસ્ક્રીમ સ્ટોલ બુક થઇ ગયા છે. સાથે જ યાંત્રિક રાઇડ્સ ધારકોની મનમાની અને એસઓપીના અમલમાં છૂટછાટની જીદ સાથે ખાનગી ધંધાર્થીને 1.27 કરોડ રૂપિયામાં તમામ 31 પ્લોટ એલોટ કરવામાં આવ્યા બાદ શુક્રવારે ખાનગી ધંધાર્થી દ્વારા અડધું પેમેન્ટ કરવાં તૈયારી દર્શાવી હતી જેની સામે તંત્રએ 20 ઓગસ્ટ સુધીમાં પેમેન્ટ કરી દેવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.