હિરાસર એરપોર્ટ પર હવે સીધું પ્લેનમાં જઈ શકાશે: એરોબ્રિજનું કામ શરૂ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટના દરજ્જે મળેલી સુવિધા: જૂના એરપોર્ટમાં પ્લેન સુધી પહોંચવા બસનો કરાતો હતો ઉપયોગ
વૉઈસ ઑફ ડે, રાજકોટ
રાજકોટની ભાગોળે નિર્માણ પામેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ધીમે-ધીમે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળવાનું શરૂ થઈ ચૂક્યું છે તે સિલસિલામાં હવે મુસાફરો સીધા પ્લેનમાં પહોંચી શકે તે માટે એરોબ્રિજનું કામ ચાલું થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ ઉપર એરોબ્રિજની સુવિધા આપવામાં આવતી હોય છે તે અંતર્ગત જ રાજકોટમાં પણ તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ જૂના એરપોર્ટમાં પ્લેન સુધી પહોંચવા માટે બસનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનો ટૂંક સમયમાં જ અંત આવશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ઈન્ટરનેશલ એરપોર્ટ ઉપર ચાર જેટલા એરોબ્રિજ બનાવવામાં આવશે જે પ્લેન પાર્ક થયા બાદ ખુલશે અને મુસાફરો તેના મારફતે સીધા પ્લેનમાં જઈ શકશે. આ કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને સંભવત: મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ ગયા બાદ તેનો લાભ મુસાફરોને મળતો થઈ જાય તેવું જાણવા મળી રહ્યું છે. આ સુવિધા શરૂ થયા બાદ મુસાફરો ટર્મિનલથી સીધા પ્લેનમાં જઈ શકશે. એરો બ્રિજ બનાવવાનું કામ દિલ્હીની કંપનીને આપવામાં આવ્યું છે.