સરધાર પાસે હીટ એન્ડ રનમાં પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઘાયલ
સૂરાપુરાના દર્શન કરી બાઇક ઉપર આવતા પરિવારને ઠોકરે ચડાવી ટાટા-૪૦૭નો ચાલક ફરાર
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ટાટા-૪૦૭ના ચાલકે સૂરાપુરાના દર્શન કરી પરત આવતા બાઇક સ્વાર દંપતી અને તેના પુત્ર અને પુત્રીને ઠોકરે ચડાવતા આ અકસ્માતમાં પિતા અને માસુમ પુત્રનું મોત થયું હતું જયારે માતા-પુત્રીને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, અકસ્માત સર્જી ચાલક વાહન મુકી ભાગી ગયો હતો.
કોઠારીયા રોડ ઉપર પંચનાથ રીયલ હોમ-૧ ખાતે રહેતાં હરેશભાઇ લાલજીભાઇ કયાડા (ઉ.વ.૩૭) રવિવારની રજા હોઇ પોતાના પત્નિ સેજલબેન (ઉ.વ.૩૫), પુત્ર જય (ઉ.વ.૧૨) અને પુત્રી ક્રિશા (ઉ.વ.૧૬)ને હોન્ડા શાઇન બાઇકમાં બેસાડી સરધાર ખાતે પોતાના સૂરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી રાજકોટ આવતી વખતે ખારચીયા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી બાઇકને ટાટા-૪૦૭ના ચાલકે ઠોકર મારી દેતાં બાઇક ફંગોળાઇ ગયુ હતું અને હરેશ ભાઈ અને તેમનો પરિવાર નીચે પટકાયો હતો અકસ્માત બાદ ટાટા ૪૦૭ પણ આગળ રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતું. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જ્યાં પિતા હરેશભાઇ કયાડા અને પુત્ર જય કયાડાનું સારવાર મળે તે પૂર્વેજ મોત થયું હતું. પત્નિ સેજલબેન અને પુત્રી ક્રિશાનો મુંઢ ઇજાઓ સાથે બચાવ થયો હતો. પિતા-પુત્રના એક સાથે મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ હીટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત સર્જી નશી છુટેલા ટાટા-૪૦૭ના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
