રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે 74.72 કિમીના રસ્તાને નુકશાન
વરસાદ બંધ રહેતા નુકશાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ શરૂ: 37.5 કિમીના રસ્તાનું મેટલવર્ક પૂર્ણ
રાજકોટ જિલ્લમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાઓને નુકશાન થયું છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે લોકોને વાહન વ્યવહાર અને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિસરફેનસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 554 રસ્તાઓ છે. જેની લંબાઈ 2358 કિલોમીટર થાય છે. ત્યારે ચાલુ વર્ષે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જુદા-જુદા ગામોમાં કુલ 74.72 કિલોમીટરના 152 રસ્તાને નુકશાન થયું છે. જેમાં કેટલાક રોડ-રસ્તામાં ખાડા પડવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં અવર-જવર કરતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાયમી વાહન વ્યવહાર અને અવર-જવર કરતાં વાહન ચાલકો રસ્તાની બિસ્માર હાલતથી મુશ્કેલી ભોગવતા હોય જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિસ્માર રસ્તાઓના સમારકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વરસાદને કારણે જે રસ્તાઓમાં નુકશાન થયું છે તેવા રસ્તાઓમાં મેટલ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વરસાદ પડતો ન હોવાથી કામગીરી શરૂ કરાઇ છે અને અત્યાર સુધીમાં 37.5 કિલોમીટરના રસ્તાઓમાં મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું માર્ગ અને મકાન વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.