રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટમાં ગેરકાયદે વળતર મેળવનાર દંપતીને હાઈકોર્ટમાં પણ ફટકાર
રૂપિયા 1.46 કરોડની વળતરની રકમ ત્રણ દિવસમાં જમા કરવવા પ્રાંત-2ની નોટિસ
દંપતી દ્વારા ખોટી રીતે મેળવેલ વળતરની રકમ જમા નહીં કરાવવામાં આવે તો કન્ટેમ્પટની કાર્યવાહી
રાજકોટ : રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ જમીન પોતાની માલિકીની હોવાના ખોટાપુરાવા રજૂ કરી સરકાર પાસેથી જમીન સંપાદન પેટે રૂપિયા ૧.૪૬ કરોડ વળતર મેળવી લીધા બાદ એક અસામીએ આ જમીન પોતાની હોવાનું જણાવી વળતર માંગતા આ અંગેના કેસમાં રાજકોટ શહેર-૨ નાયબ કલેક્ટર દ્વારા વળતર પરત આપવા દંપતીને હુકમ કરતા દંપતીએ હાઇકોર્ટમાં કેસ કર્યા બાદ હાઇકોર્ટે પણ ફટકાર લગાવી વળતરની રકમ પરત ચૂકવવા દંપતીને આદેશ કરતા રાજકોટ સીટી પ્રાંત-2 દ્વારા ત્રણ દિવસમાં વળતરની રકમ જમા કરાવવા નોટિસ ફટકારી છે સાથે જ જો દંપતી નાણાં નહીં ચૂકવે તો કન્ટેમ્પટની કાર્યવાહી કરવા તજવીજ શરૂ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની પી.ડી.એમ કોલેજ પાસે રામનગર-8માં રહેતા કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેના પતિ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણીએ કુવાડવાની સ.નં. 545 પૈકીની બિનખેતી પ્લોટની 1145 ચો.મી જમીન પોતાની હોવાનું દર્શાવી સરકાર તરફથી રૂા. 1,46,57,099નું વળતર મેળવી લીધું હતું. તંત્રએ જે તે સમયે ગામ દફતરના રેકોર્ડ ધ્યાને લઈ વળતર આપ્યું હતું.દરમિયાન કલકતામાં રહેતા પન્નાલાલ પીરચંદ કોચરે આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો અને આ જમીનનો 2004માં કરેલ દસ્તાવેજ રજૂ કર્યો હતો. રજૂ થયેલા રેકર્ડ મુજબ, આ જમીન કોન્ટીનેટલ ટ્રાન્સપોર્ટ એજન્સીના બે ભાગીદારનાં નામે નોંધાયેલી હતી, જે પૈકી સુરેન્દ્રકુમાર માણેકચંદ ભાદાણીએ પન્નાલાલને રજીસ્ટર્ડ રીલીઝડીડ 2011માં કરી આપેલ અને તેની નોંધ પણ પડી હતી. પરતું રાજકોટના દંપતીએ વેંચાણ દસ્તાવેજ અને નોંધ છૂપાવી વર્તમાન માલિકી તેની ગણાવી, 19 વર્ષ પછી રાજકોટની કોર્ટમાં દાવો દાખલ કરી જમીન સંપાદનનું વળતર મેળવી લીધું હતું.
વધુમાં આ જમીનના સંપાદનનાં વળતર અંગેનો કેસ રાજકોટ શહેર-2ના નાયબ કલેકટર સમક્ષ ચાલી જતાં તમામ આધાર પૂરાવાની ચકાસણી કરી દંપતીએ જમીનનું વળતર ખોટી રીતે મેળવી લીધાનું જણાતા રૂપિયા 1.46 કરોડનુ વળતર 10 દિવસમાં પરત જમા કરવા હુકમ કરતા કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેના પતિ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણીએ હાઇકોર્ટમાં કેસ કરતા હાઇકોર્ટે પણ દંપતીને ફટકાર લગાવતા રાજકોટ સીટી પ્રાંત-2 દ્વારા ત્રણ દિવસમાં વળતરની રકમ જમા કરાવવા નોટિસ ફટકારી છે સાથે જ જો દંપતી નાણાં નહીં ચૂકવે તો કન્ટેમ્પટની કાર્યવાહી કરવામાં આવનાર હોવાના સંકેત આપ્યા હતા.
