રાજકોટમાં રખડતાં ઢોરે વૃધ્ધા નો જીવ લીધો
મંદિરે દર્શન કરી ઘરે જતાં મહિલાને ગાયે ઢીંકે ચડાવતા મોત
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ મામલે હાઇકોર્ટે વારંવાર કડક પગલાંઓ લેવા સૂચના આપ્યા છતાં કોઈ પગલા નહીં લેવાતા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરે વધુ એકનો ભોગ લીધો હતો. કોઠારીયામાં રહેતાં વૃધ્ધા ઘર નજીક મંદિરમાંથી દર્શન કરી જતાં હતા ત્યારે જ ગાયએ ઢીંક મારી દેતાં ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું.
સ્માર્ટ સીટી રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા એવુ જણાવામા આવ્યુ હતુ કે શહેર માંથી રખડતા ઢોરની સમસ્યા દુર કરવામા આવશે પરંતુ આજે પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે. કોઠારીયા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં ગોદાવરીબેન ગોરધનદાસ ટીલાવત (ઉ.વ.૯૦)ને સવારે ઘર નજીક ગાયએ ઢીંકે ચડાવી દેતાં માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગોદાવરીબેનને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.