માલીયાસણથી બાયો ડીઝલનું સમગ્ર ગુજરાતમાં સપ્લાયનું નેટવર્ક
ક્રાઇમ બ્રાંચે પકડેલા રૂ.1.08 કરોડના બાયો ડીઝલમાં સંચાલક સહિત 7 સામે ગુનો દાખલ
રાજકોટ નજીક ક્રાઈમ બ્રાંચે કુવાડવા રોડ પર માલીયાસણ પાસે ડેલામાં દરોડો પાડી રૂ.1.08 કરોડનું દોઢ લાખ લીટર બાયો ડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં આ ગેરકાયદેસર બાયો ડિઝલના વેચાણમાં નામચીન શખ્સના ભાઈ સહિત પાંચ શખ્સોની સંડોવણી ખૂલી હતી આ મામલે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.છેલ્લા 1 મહિનાથી શરૂ થયેલા આ કારોબારમાં રાજકોટથી 20 હજાર,25 હજાર અને 35 હજારના ટેન્કર ભરી આ બાયો ડીઝલ સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી.ગોહિલ,પીએસઆઈ ડી. સી. સાકરીયા અને તેમની ટીમે ત્રિ-મંદિર પાસે આવેલા કમલેશ રામાણીના ભાઈ ભરત વશરામ રામાણીના માલિકીના માલીયાસણ પાસેના ડેલામાં દરોડો પાડ્યો હતો જેમાં સ્થળ ઉપરથી રૂ.1.08 કરોડોનું દોઢ લાખ લીટર બાયો ડીઝલ તેને સંગ્રહ કરવા માટેની નાની મોટી ટાંકીઓ ટેન્કર મળી કુલ રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી દિપેશ હસમુખ મહેતા અને રાજેશ ઉર્ફે રાજુ રામભાઈ ચાવડાની ધરપકડ કરી હતી.બન્નેની ક્રાઇમ બ્રાંચના સ્ટાફ દ્વારા કરેલી પુછપરછમાં આ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અને સંચાલનમાં માલિક ભરત વશરામ રામાણી, નારયણભાઇ વનમાળીદાસ ખખ્ખર તેમજ સંચાલન હિતેશભાઇ વિઠ્ઠલભાઈ ડોબરિયા કરતો હોવાનું તેમજ ટેન્કરનો માલિક આશિષ કાનજી ડાંગર અને બાયો ડીઝલ પોરબંદરના એક શખ્સે મંગાવ્યું હોવાની વાત સામે આવી છે. ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી.ટી.ગોહિલ, પીએસઆઇ ડી.સી.સાકરીયા, એ.એસ.આઇ. સુરેશભાઇ જોગરાણા, ભરતભાઇ વનાણી, હેડ કોન્સ્ટેબલ. અશોકભાઇ કલાલ, હરદેવસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
માલીયાસણ પાસેના એક પેટ્રોલ પંપ
ઉપરથી આ બાયોડીઝલનું વેચાણ થતું
કુવાડવા રોડ પર માલીયાસણ આવેલા ગોડાઉનમાં પકડાયેલ બાયોડીઝલના કારોબાર ઉપર ક્રાઇમ બ્રાંચે દરોડો પડ્યા બાદ તપાસમાં કેટલાક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ બાયો ડીઝલનું વેચાણ હોલસેલ ઉપરાંત માલીયાસણ પાસેના એક બંધ (માત્ર કંપનીના ચોપડે બંધ)એવા પેટ્રોલ પંપ ઉપર થી ખુલ્લે આપ થતું હતું. આ વાતની જાણ પુરવઠા વિભાગ કે પોલીસને પણ ન થાય તે રીતે પેટ્રોલ પંપ ઉપરથી વાહનોમાં ડીઝલના નામે બાયો ડીઝલ પૂરી દેવામાં આવતું હતું.જો ઊંડાણ પૂર્વક તાપસ થાય તો આ પંપના માલિક સહિતના જવાબદારો સામે પણ કાર્યવાહી થઈ શકે તેમ છે.
પોલીસ ઝડપી પાડેલ આ ગેરકાયદેસર બાયો ડીઝલના વેચાણની રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જ નહિ પરતું સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતું હતું.રાજકોટથી 20 હજાર,25 હજાર અને 35 હજારના ટેન્કર ભરી આ બાયોડીઝલ સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતું ખાસ કરીને સુરત અને દહેજમાં નાની બોટ (બાર્જ)માં આ બાયો ડીઝલનો વપરાશ કરવામાં આવતો હોય રાજકોટ માંથી પકડાયેલ આ બાયો ડીઝલનું નેટવર્ક ચલાવનાર ટોળકી સાથે સુરત અને દહેજના કેટલાક શખ્સોની સંડોવણી હોવાની શંકા છે.
એક નિવૃત પોલીસમેન દ્વારા સ્થાનિક પોલીસની મંજૂરી લેવાઈ’તી
કુવાડવા નજીક ત્રિમંદિર પાસે છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે જ આ બાયોડીઝલનો વેપલો ચાલતો અને હોલસેલ જ વેચાણ કરવામાં આવતું દોઢ લાખ લીટર બાયોડીઝલનો જથ્થો તેમજ બે ટેન્કર અને અડધો ડઝન જેટલી મોટી ટાકીઓ સહિતની મત્તા ક્રાઇમ બ્રાંચે કબજે કરી હતી. આ બાયો ડીઝલનું છેલ્લા એક માસથી વેચાણ શરૂ થયું હતું જોકે આ કારોબારમાં એક નિવૃત પોલીસમેનની ભૂમિકા હોવાની વાત ચર્ચાઇ રહી છે. આ નિવૃત પોલીસમેને જ સ્થાનિક કુવાડવા પોલીસ પાસેથી સંચાલકો અને માલિકોને મંજૂરી મેળવી આપી હતી. આ પોલીસમેનની ભૂમિકા અંગે પણ તાપસ શરૂ થઈ છે. તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સપ્લાયની ચેન ગોઠવવામાં એક વ્યક્તિએ મદદ કરી હોવાનું સામે આવી રહ્યું છે.