પરેશ ધાનાણી રાજકોટ આવે તો ખરાબ રીતે હારશે : રૂપાણી
રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો બીજા તબક્કાના પ્રચાર પુરજોશમાં શરુ થઇ ગયો છે અને તેમણે લોકસંપર્ક પણ વધાર્યો છે ત્યારે કોંગ્રેસમાં હજુ ઉમેદવારના જ ઠેકાણા નથી. કોંગ્રેસ હજુ સુધી રાજકોટ માટે કોઈ ઉમેદવાર જાહેર કરી શકી નથી. આવી સ્થિતિ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કહ્યું હતું કે, કોંગ્રેસને કાર્યકર મળતા નથી તો પછી ઉમેદવાર ક્યાંથી મળે. તેમણે એમ પણ કહ્યું કે, જો પરેશ ધાનાણી રાજકોટમાંથી ચૂંટણી લડવા માટે આવશે તો ખરાબ રીતે હારશે.
ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહેશે.પરશોત્તમભાઈએ માગેલી માફીને ક્ષત્રિયો માફ કરશે.નાની મોટી નારાજગી વચ્ચે પણ કાર્યકરો ભાજપ સાથે છે. કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસની મંશાને મતદારો સમજી ચૂક્યા છે.
વિજયભાઈ રૂપાણી આજે ભાજપ સ્થાપના દિવસના અવસરે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને મીડિયા સાથે વાત કરી હતી.