પરાબજારમાં ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ પર જીએસટીના દરોડા
સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઇ: અન્ડર બિલિંગ સહિતના મુદ્દે કરાઇ તપાસ: અન્ય વેપારીઓમાં ફફડાટ
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં કેટલાક વેપારીઓ પર સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. શહેરમાં જીએસટી વિભાગના દરોડા પડતાં જ અનેક વેપારીઓમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તહેવારો દરમિયાન અન્ડર બિલિંગ સહિતના મુદ્દે મળેલી ફરિયાદના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં વહેલી સવારથી જ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ કેટલાક વેપારીઓ પર ત્રાટકી હતી. જેના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શુક્રવારે સવારથી જ શહેરના ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ સહિતના વિસ્તારોમાં આવેલી ડ્રાયફ્રૂટ્સની દુકાનોના વેપારીઓ પર ધોંસ બોલાવી હતી.
સ્ટેટ જીએસટીના દરોડા અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ દિવાળીના તહેવારો દરમિયાન કેટલાક વેપારીઓએ ડ્રાયફ્રૂટ્સનું ધૂમ વેચાણ કર્યું હતું. જેમાં અન્ડર બિલિંગ એટલે કે વેચાણ અંગે પૂરતું બિલ બનાવતા ન હોય, ખરીદી કરતાં સ્ટોક ઓછો બતાવવા હોય સહિતના મુદ્દે સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગે કાર્યવાહી કરી હતી અને તપાસ કરી હતી. મહત્વનું છે કે, શહેરમાં સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગના દરોડા પડતાં અનેક વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.