દેશના જવાનોની રક્ષા માટે રાજકોટની વિદ્યાર્થીનીઓએ બનાવી 1111 રાખડી
લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની 500 વિદ્યાર્થીનીએ બનાવેલી રાખડી વીર જવાનોને મોકલાઈ
વોસિ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષાબંધનના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ પોતાની હાથે રાખડી બનાવી હતી અને તે રાખડીઓ દેશની સરહદ પર ફરજ બજાવતા વીર જવાનોને મોકલવામાં આવી હતી.
શહેરની લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની 500 વિદ્યાર્થીની દ્વારા પોતાના હાથે 1111 જેટલી રાખડી બનાવવમાં આવી હતી. જે દેશનની સરહદ પર ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવી હતી. તેમજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને પોતાની લાગણી રજૂ કરતો એક પત્ર લખીને આ રાખડીઓ દેશના જવાનોની સુરક્ષા હેતુ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી. આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રોટરી કલબના સહયોગ અને પોસ્ટ ઓફિસના માધ્યમથી શાળાના દરેક વિદ્યાર્થીનીઓને 15 ઓગસ્ટના રોજ પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી તેમજ પોસ્ટ વિભાગના પોસ્ટ માસ્ટર અભિજીત, નિરજ રાજદેવ, રોટરી કલબના પ્રમુખ અનિલ જસાણી, સેક્રેટરી શૈલેષ દેસાઇ તેમજ વિદ્યાલયના આચાર્ય વિનોદભાઇ ગજેરા હાજર રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફના સહયોગે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જશવંતીબેન ખાનવાણીએ કર્યું હતું.