તહેવારો ઉપર હાર્ટ એટેકથી યુવતી સહિત વધુ ત્રણના મોત
વાડીએ થી પરત આવતા પ્રૌઢ રસ્તામાં ઢળી પડ્યા
મયુર નગર અને ટોપલેન્ડ રેસીડેન્સીમાં મહિલા બેભાન થઈ ઢળી પડી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાના બનાવો જાણે એકાએક વધી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન હદય રોગના હુમલાથી અનેક લોકોના શ્વાસ થંભી રહ્યા હોવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં 33 વર્ષની યુવતી ઉપરાંત 51 વર્ષના મહિલા અને 54 વર્ષના પ્રૌઢનું હાર્ટ ફેઇલ થયા હતા. દિવાળીના તહેવાર ટાણે હદય રોગના હુમલાના બનાવો વધતા લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે.
મવડી ચોકડી પાસે આસ્થા રેસિડેન્સી પાસે આવેલા આશ્રય બંગ્લોઝમાં રહેતા વિનોદભાઈ ભુરાભાઈ સખીયા (ઉવ 54) કુવાડવા નજીક આવેલી પોતાની વાડીએ ગયા હતા અને ત્યાંથી પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે પહોંચતા અચાનક હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરતું સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું.
બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી ખાતે માવતરે રોકાવા આવેલી ભૂમિ નિરવભાઇ દવે (ઉ.વ.33) ને હાથ પગામાં સોજા જણાતા દવા લીધી હતી. ભૂમિ અચાનક જ તેના પિતાના ઘરે બેભાન થઇ ગઇ હતી. તેને તત્કાલ સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. પરંતુ ટૂંકી સારવારમાં તેનું મોત થયું હતું.ભૂમિના 3 માસ પહેલા જ રિધ્ધિ-સિધ્ધિ સોસાયટી શેરી નં.1/10ના ખૂણે રહેતા નિરવ દવે નામના વેપારી યુવાન સાથે લગ્ન કર્યા હતાં.અને હાલ તે તહેવારો ઉપર પિતાના ઘરે આવી હતી.
ત્રીજા બનાવમાં રાજમોતી મીલ પાછળ આવેલા મયુરનગરમાં રહેતા દેવુબેન જોગાભાઈ લુણી (ઉવ 51) પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો પ્રોઢાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ હૃદય રોગનો હુમલો આવવાથી તેમને મૃત જાહેર કર્યા હતા.