જંત્રીદરમાં તોળાતો ત્રણથી ચાર ગણો વધારો, સરકારમાં દરખાસ્ત
રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા, કાલાવડ રોડ, સ્માર્ટ સિટી, મવડી,
મોટામવા આ વિસ્તારોમાં વર્તમાન દરથી ૩ થી ૪ ગણો જંત્રી દરનો વધારો
સૂચવ્યો: ભાવનગર રોડ વિસ્તારમાં સૌથી ઓછો ભાવ વધારો સૂચવાયો
રાજ્યભરમાં આગામી લોકસભા ચૂંટણી બાદ નવા જંત્રી દર લાગુ કરવામાં આવનાર છે ત્યારે વિકાસની હરણફાળ ભરી રહેલા રાજકોટ શહેરમાં ક્રીમ ગણાતા વિસ્તારોમાં જંત્રીદરમાં ત્રણથી ચાર ગણો વધારો તોળાઈ રહ્યો છે, રાજકોટ શહેર અને જિલ્લામાં સિટી સર્વેએ ૩૦૦ ટિમ બનાવી સર્વે કર્યો હતો ૧૫૦૦ જેટલા વેલ્યુઝોનનો સર્વે કર્યા બાદ સુધારેલા જંત્રીદરની દરખાસ્ત કરતા જિલ્લા કલેકટર દ્વારા આ દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં જ્યાં સૌથી વધુ કાળું નાણું સંગ્રહવામા આવે છે તેવા જમીન મકાનના વિકલ્પને ખતમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ કમર કસી છે અને બજાર ભાવની સાપેક્ષમાં નજીવા દરે થતા જમીન અને મકાનના સોદા રોકવા માટે ખાસ કવાયત શરૂ કરી વર્ષ ૨૦૧૧ બાદ ગત વર્ષે પ્રથમ વખત સરકારે હિમત કરી નવા ભાવવધારા સાથેના જંત્રીદર અમલી બનાવતા આ જંત્રીદર સામે રાજ્યભરમાં વિરોધ ઉઠ્યો હતો. જો કે, આમ છતાં ગુજરાત સરકારે નવા જંત્રીદર અમલી બનાવ્યા બાદ ફરી એક વખત આગામી લોકસભા ચૂંટણી બાદ નવા સુધારેલા જંત્રીદર અમલી બનાવવા માટે ગત સપ્ટેમ્બર માસના સમયગાળામાં રાજકોટ શહેર અને જિલ્લામાં સિટી સર્વેએ ૩૦૦ ટિમ બનાવી ૧૫૦૦ જેટલા વેલ્યુઝોનનો સર્વે કર્યા બાદ સૂચિત નવા જંત્રીદર અમલી કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ખાસ કરીને નવા સુધારેલા જંત્રીદર આગામી વર્ષ ૨૦૨૪માં અમલી બને તેવા સંકેતો વચ્ચે સીટી સર્વે દ્વારા કરવામાં આવેલા વેલ્યુઝોન મુજબના સર્વેમાં વર્તમાન બજાર કિમતને ધ્યાન ઉપર લઈ નવા જંત્રી દર સૂચવવામાં આવ્યા છે જેમાં રાજકોટ સિટી અને જિલ્લામાં સૌથી વધુ હાઈએસ્ટ ભાવમાં ૪ ગણો વધારાની દરખાસ્ત મહેસુલ વિભાગને કરવામાં આવી હોવાનું અને રાજકોટના ક્રીમ ગણાતા ૧૫૦ ફૂટ રિગ રોડ, રૈયા, કાલાવડ રોડ, સ્માર્ટ સિટી, મવડી, મોટા મવા સહિતના વિસ્તારોમાં વર્તમાન દરથી ૩થી ૪ ગણો જંત્રી દરનો વધારો સુચવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જયારે રાજકોટ શહેરમાં સૌથી ઓછા જંત્રીદર એકમાત્ર ભાવનગર રોડ વિસ્તારમાં સૂચવવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.
હાલો, નવી જંત્રી પહેલા દસ્તાવેજ કરાવી લઇએ
રાજકોટમાં ત્રણથી ચાર ગણો જંત્રીદર વધારો તોળાઈ રહ્યો છે ત્યારે હાલમાં માર્ચ માસ હોવા છતાં દરરોજના ૬૦૦થી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ રહી હોવાનું અને બિલ્ડર લોબી આગામી સમયમાં જંત્રી દરનો વધારો અમલી બને તે પૂર્વે જ દસ્તાવેજ નોંધણી કરવાના મૂડમાં હોવાનું જણાઈ રહ્યું છે, ખાસ કરીને રાજકોટની અલગ અલગ ૧૭ સબરજિસ્ટ્રાર કચેરી પૈકી સૌથી વધુ દસ્તાવેજ રાજકોટ-૧માં ૭૩ નોંધાયા હતા. જયારે બીજા ક્રમે રાજકોટ -૨ મોરબી રોડમાં ૭૨, કોઠારીયામાં ૬૦, રાજકોટ-૩ રતનપરમા ૪૬ સહિત શુક્રવારે કુલ ૬૦૧ દસ્તાવેજની રાજકોટ જિલ્લામાં નોંધણી થઇ હતી.