ગોંડલમાં બે માસૂમ ભાઈઓના મોતમાં ભેદભરમ
20 દિવસ પૂર્વે પત્ની સાથે છૂટાછેડા લઈ બાળકોને સાથે રાખનાર પિતાની પૂછપરછ
ઝેરી અસરથી કે પછી કોઇએ ઝેર આપી હત્યા કરી તે ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થશે
વૉઇસ ઓફ ડે રાજકોટ
ગોંડલના વોરા કોટડા રોડ પર સબ જેલ પાસે સરકારી ક્વાર્ટરમાં રહેતાં રાજેશભાઇ પ્રેમજીભાઇ મકવાણાના બે માસુમ દિકરા રોહિત (ઉ.વ.૩) અને હરેશ (ઉ.વ.૧૩)ના ભેદી મોત થયા હતા બન્ને બાળકો દરગાહે ન્યાજમાં જમીને આવ્યા બાદ એકાદ કલાક રમ્યા પછી ઉલ્ટી થયા બાદ બંને બેભાન થઇ ગયા અને બન્નેના રહસ્યમય સંજોગોમાં મોત થતા પિતા ઉપર વ્રજઘાત તૂટી પડ્યો હતો. પિતાએ જે કહાની પોલીસને જણાવી તે મુજબ બાળકોના જમણને કારણે ઝેરી અસરથી મોત થયા કે પછી કોઇએ ઝેર આપી દેતાં બંનેનો જીવ ગયો? તે મુદ્દે ભેદભરમ સર્જાયા હોઇ બંને માસુમના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા હતાં. જો કે તેના વિસેરા લઇ રિપોર્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપસમાં જાણવા મળતી વિગતો મુજબ બાળકોના પિતા રાજેશભાઇ મકવાણાએ છુટક સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તે અગાઉ 15 પંદરેક વર્ષ રાજકોટ કોઠારીયા સોલવન્ટ પાસે શિતળાની ધારમાં રહેતાં હતાં બાદમાં પાંચેક વર્ષથી ગોંડલમાં રહે છે. રાજેશના લગ્ન કોડીનારના આલીદર બોલીદર ગામના હીરલબેન સાથે થયા હતાં અને સંતાનમાં બે પુત્ર હરેશ (ઉ.વ.૧૩) અને રોહિત (ઉ.વ.૩) હતા. રાજેશભાઇને તેની પત્નિને મનમેળ ન થતાં વીસેક દિવસ પહેલા જ રાજીખુશીથી છુટાછેડા લીધા છે. એ પછી બંને દિકરાને પોતાની સાથે જ રાખ્યા હતાં.મોટો દિકરો હરેશ ત્રીજા ધોરણમાં ભણતો હતો. રોહિતને હજુ ભણવા બેસાડયો નહોતો. પિતા રાજેશને ગોંડલમાં આવેલી હાજી મુસાબાવાસાહેબની દરગાહમાં ખુબ શ્રધ્ધા હોવાથી અવાર-નવાર ત્યાં બાળકોને લઈ જતો હતો.બનાવના બે દિવસ પૂર્વે રાજેશ પોતના બંને દિકરાને લઇને ત્યાં દરગાહે ગયો હતો. જ્યાં ન્યાજના જમણમાં દાળભાત, જલેબીનું ભોજન કર્યુ હતું. બાળકોએ પણ આ ભોજન લીધુ હતું. ત્યાંથી ઘરે આવ્યા બાદ એકાદ કલાક સુધી બંને દિકરા બહાર રમ્યા હતાં. પછી ઘરમાં આવ્યા બાદ પહેલા નાના દિકરા રોહિતને ત્રણ ઉલ્ટી થઇ હતી અને એ પછી મોટા દિકરા હરેશને બે ઉલ્ટી થઇ હતી. બંને બેભાન જેવા થઇ જતાં પ્રથમ ગોંડલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ બંને દિકરાના મોત થયા હતા. બન્ને બાળકોને જ જમણ બાદ કઇ રીતે ઝેરી અસર થઇ? તે બાબતનું રહસ્ય ઉકેલવા માટે પોલીસે રાજેશભાઈ અને તેના પરિવાર સહિતનાની પૂછપરછ શરૂ કરી છે.
