ગેલેક્સી ટોકીઝના સ્થાને આકાર પામશે કોમર્શિયલ કોમ્પ્લેક્સ – મલ્ટીપ્લેક્સ
રાજકોટ
એક સમયે રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણાતી રાજકોટની ગેલેક્સી ટોકીઝના સ્થાને આગામી સમયમાં મલ્ટી સ્ટોરીડ બિલ્ડીંગ બની રહ્યું છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપરાંત મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરંટ આકાર પામશે તેવું સુત્રોએ જણાવ્યું છે.
આ સુત્રો અનુસાર, ગેલેક્સી ગ્રુપે આ સ્થળે ગ્રાઉન્ડ પ્લસ છ માળનું મલ્ટી સ્ટોરીડ બિલ્ડીંગ બાંધવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર થી ત્રણ માળ સુધી કોમર્શિયલ રહેશે ,ચોથા માળે અધ્યતન ફૂડ મોલ , પાંચમા- છઠ્ઠા માળે ત્રણ અતિ આધુનિક મલ્ટિપ્લેક્સ આકાર પામશે. આ બિલ્ડીંગની ટેરેસ ઉપર પણ રેસ્ટોરંટ બનાવશે તેવું જાણવા મળ્યું છે.
ગેલેક્સી ગ્રુપ બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ધારણા રાખે છે. ગેલેક્સી ગ્રુપના રશ્મિભાઈ ભાલોડીયા, જય ભાલોડીયા અને અમર ભાલોડીયા વગેરેએ પ્રોજેક્ટને સંભાળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેસકોર્સ વિસ્તારમાં આવેલી ગેલેક્સી ટોકીઝ ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે અને તેનું બાંધકામ પણ તોડી નાખવામાં આવ્યું છે. અત્યારે તો આ ટોકીઝની યાદો જ રહી ગઈ છે. હવે ગેલેક્સીનું નામ જળવાઈ રહે તે રીતે નવો પ્રોજેક્ટ શરુ થશે તેવું જાણવા મળ્યું છે.