ગુજસીટોકમાં કુખ્યાત નિખીલ દોંગા સહીત આઠના ચાર્જશીટ બાદ પણ જમીન રદ
વોઈસ ઓફ ડે રાજકોટ
ગુજસીટોક કાયદા હેઠળ નોમીનેટ થયેલ રાજકોટની પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટે ગોંડલના કુખ્યાત નિખીલ દોંગા અને તેની ટોળકીના આઠ સાગરીતોએ ચાર્જશીટ રજુ થયા બાદ એક વર્ષે મુકાયેલ જામીન અરજીની સુનવણી મૌખીક પુરાવો શરૂ થયા બાદ સંભળાઈ જતા ખાસ અદાલતે તમામ આઠ આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે. આશરે એકાદ દશકાથી ગોંડલ, જેતપુર પંથકમાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ નિખીલ દોંગા સામે વર્ષ 2020માં ગુજસીટોક કાયદા હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી. જેમાં તેઓના સાગરીત તરીકે બાર આરોપીઓને દર્શાવવામાં આવેલ હતા. આ તમામ આરોપીઓ સામેના નોંધાયેલ ગુન્હાઓનો અભ્યાસ કરતા આ ગેંગના તમામ સભ્યો એકબીજા સાથે ગુન્હાઓ આચરવામાં સંકડાયેલ હોવાથી તેઓના નામ અરસ પરસની એફઆઈઆરમાં દર્શાવવામાં આવેલ હતા. આ ગુન્હાઓ આચરવામાં વિવિદ સભ્યોએ નાણાકીય તેમજ શારીરીક રીતે નિખીલ દોંગાને પ્રત્યક્ષ રીતે મદદગારી કરેલ હતી. જેમાં ગોંડલ સબ જેલના જેલર ધીરૂભાઈ કરસનભાઈ પરમારે પણ જેલર તરીકે તેઓને જેલમાં વિવિધ પ્રકારની સવલતો પુરી પાડેલ હોવાની પણ વિગતો દર્શાવેલ હતી. પોલીસ તપાસના અંતે નિખીલ દોંગા ગેંગના તમામ સભ્યો સામે ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે ગુજસીટોક કાયદાની ખાસ અદાલતે નિખીલ દોંગા ગેંગના મુખ્ય આરોપીઓ કમલેશ રાજુભાઈ સિંધવ, નરેશ રાજુભાઈ સિંધવ, પૃથ્વી યોગેશભાઈ જોષી, વિશાલ આત્મારામ પાટકર, દેવાંગ જયંતિભાઈ જોષી, સુનીલ ભીખાભાઈ પરમાર, વિજય ભીખાભાઈ યાદવ અને અક્ષય સૂર્યકાંતભાઈ દૂધરેજીયાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.
