આમાં દૂર્ઘટના જ બને ને ! બે વોંકળામાંથી નીકળ્યો ૨૨૦૦૦ કિલો ગારો-કચરો
ગણેશોત્સવ દરમિયાન સર્વેશ્વર ચોકમાંથી પસાર થતાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં ૩૦ લોકો ગંદા પાણીમાં ખાબક્યા હતા તો એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ વોંકળામાં અનહદ કચરો એકઠો થઈ ગયો હોવાને કારણે પાણીનું વહેણ અટકી રહ્યું હોવાને કારણે પાયા નબળા પડી ગયાનું એક કારણ પણ સામે આવ્યું હતું. હવે મહાપાલિકા દ્વારા વોંકળાની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે માત્ર બે વૉર્ડના જ વોંકળાની સફાઈ કરવામાં આવતાં તેમાંથી ૨૨૦૦૦ કિલો ગારો અને કચરો નીકળ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આટલો ગારો-કચરો નીકળ્યા બાદ એ વાત તો નિશ્ચિત બની ગઈ છે કે ઘણા સમયથી આ વોંકળાઓની સફાઈ કરવામાં આવી રહી ન્હોતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વૉર્ડ નં.૭માં આવેલા એકલવ્ય હોલ સામે, જન કલ્યાણ હોલ પાછળના વોંકળા તેમજ પૂર્વ ઝોનના વૉર્ડ નં.૬માં આવેલા વોંકળાની સફાઈ કરવામાં આવી હતી.
ત્રણ બગીચામાંથી નીકળ્યો ૧૫૦ કિલો કચરો
મહાપાલિકા દ્વારા વૉર્ડ નં.૨માં રેસકોર્સ ગાર્ડન, વૉર્ડ નં.૭માં એસ્ટ્રોન ગાર્ડન અને વૉર્ડ નં.૧૩માં ઉમાકાંડ ગાર્ડનની ૪૭ લોકોના સહકારથી સફાઈ કરી ૧૫૦ કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગંદકી ફેલાવતાં ૩૦ લોકો પાસેથી દંડ અને ચેકિંગ દરમિયાન ૪.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. જ્યારે ૧૦૦ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરીને ૨૦૭૦૦ કિલો તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની સફાઈ કરીને ૩૩૦૦ કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.