ભાજપ અને આપના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા
ધરમપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ ડી. પટેલ સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
ખેલ સ્પર્ધામાં સુવર્ણ પદક વિજેતા બેરીસ્ટર આરીફ અંસારી આપ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીકે કોંગ્રેસ પક્ષમાં જોડાનાર તમામ આગેવાન-કાર્યકરોને આવકાર સાથે અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશ વાસીઓ મોંઘવારી, બેરોજગારી સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભાઈચારા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે.
દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ખેડૂત-ખેતીને બચાવવામાં દેશ હિતમાં કામ કરવાની જરૂર છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ગાંધી-સરદારના ગુજરાતમાં “હાથ સે હાથ જોડો” અભિયાન દ્વારા વધુમાં વધુ ભાઈ-બહેનો સક્રિય પણે કોંગ્રેસ પક્ષ જોડાઈ રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા ભાજપ અને આપ પક્ષના પદાધિકારીઓ, કાર્યકરોને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધું છે.
ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.
રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ, આપ અને બી.ટી.પી. છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાનાર બેરીસ્ટર આરીફ અંસારી, પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, કોડીનાર તાલુકા ભાજપાના પૂર્વપ્રમુખ અને સહકારી આગેવાન પ્રવિણસિંહ ઝાલા, નર્મદા જીલ્લાના આપના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સંતરામપુર શહેર ભાજપાના સુનિલભાઈ ભોય, નગરપાલિકાના પૂર્વ સભ્ય હર્ષદભાઈ મહેતા, આપના વ્યાપાર વિભાગના જીલ્લા પ્રભારી ગણેશ જૈન, ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન મંત્રી મીરાબેન પંચાલ, સાબરકાંઠા જીલ્લા આપના મહિલા પ્રમુખ ઈન્દુબેન ગામેતી, દીતાજી ખટાર, ભાજપના હરીશભાઈ પરમાર, ચંદુભાઈ લીંબાત, બી.ટી.પી.ના ગોવિંદભાઈ પારઘી સહિત ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. તમામને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી , પૂર્વ કેન્દ્રીય મંત્રી , સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક , પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.