CBIને તપાસ સોંપવા અંગે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોને શું ટકોર કરી ?
- કોઈ લેટર લખે તો કેસની તપાસ સીબીઆઇને સોંપી શકાય નહીં
- સુપ્રીમ કોર્ટની હાઇકોર્ટોને ટકોર : પોલીસ બરાબર તપાસ નહીં કરે તેવું શા માટે લાગે છે તેનું કારણ પણ જાહેર કરો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બંગાળના એક મામલામાં સુનાવણી કરતી વખતે હાઇ કોર્ટોને એવી ટકોર કરી હતી કે કોઈ પણ કેસની તપાસ સીબીઆઇને સોંપવાના આદેશ આપો તો સાથે એ પણ જાહેર કરો કે તમને પોલીસની તપાસ પર કયા કારણોસર ભરોસો નથી.
અદાલતે કહ્યું હતું કે કોઈ પ્રાઇવેટ પાર્ટીના એક લેટર લખવાના આધારે હાઇ કોર્ટોએ કોઈ પણ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવી જોઈએ નહીં. ન્યાયમૂર્તિ ગવઇ અને ન્યાયમૂર્તિ વિશ્વનાથનની બનેલી બેન્ચે એમ કહ્યું હતું કે કોઈ દુર્લભ કેસમાં જ સીબીઆઇને તપાસ સોંપવી જોઈએ.
હાઇ કોર્ટને એવો પાકો ભરોસો થઈ જાય કે કેસની તપાસ પોલીસ કરી શકે એમ નથી અને ન્યાય આપી શકે એમ નથી. આવી ખાતરી થઈ ગયા બાદ જ સીબીઆઇને તપાસ સોંપાવી જોઈએ. ગોરખાલેન્ડમાં સ્કૂલની ભરતીની નિયુક્તિમાં ગોટાળો થયો છે તે બાબતમાં હાઇકોર્ટે તપાસ સીબીઆઇને સોંપી હતી.
બંગાળ સરકારે હાઇકોર્ટમના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને શુક્રવારે તેના પર સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટને ઉપરોક્ત ટકોર કરી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું હતું કે બંધારણની કલમ 226 હેઠળ હાઇકોર્ટ કોઈ પણ કેસની તપાસ સીબીઆઇને સોંપી જ શકે છે પણ એમ કરતાં પહેલા એવું સ્પષ્ટ પણ કરવું જોઈએ કે હાઇકોર્ટને શા માટે એવું લાગે છે કે રાજ્યની પોલીસ તપાસ બરાબર કરી શકશે નહીં .