વીવીપેટ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
સુપ્રીમ કોર્ટે બુધવારે પેપર ઓડિટ ટ્રેલ વડે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મતોની સંપૂર્ણ પુનઃ ચકાસણીની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે એવી પણ ટિપ્પણી કરી હતી કે શંકાના આધારે નિર્ણય ન આપી શકાય. ઈવીએમના કામકાજના કેટલાક પાસાઓ પર ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ વાત કરી હતી અને કહ્યું હતું કે અમે ચુંટણીને કંટ્રોલ કરી શકીએ નહીં. ચુંટણી પંચે ઇવીએમ અંગેના સંદેહો દૂર કર્યા છે.
બુધવારે બપોરે 2 વાગે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચુંટણીપંચના અધિકારી કોર્ટમાં આવ્યા હતા અને શંકાઓ દૂર કરીને ચોખવટો કરી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે ઈવીએમની કામગીરીના કેટલાક પાસાઓ પર ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી હતી અને પંચના ઉચ્ચ અધિકારીને પણ કોર્ટમાં બોલાવ્યા હતા. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે તેને અમુક પાસાઓ પર સ્પષ્ટતાની જરૂર છે કારણ કે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ પર ‘ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ અંગે આપવામાં આવેલા જવાબોમાં થોડી મૂંઝવણ હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પેપર ઑડિટ ટ્રેલ વડે ઈવીએમ મારફત પડેલા મતોની પુનઃ ચકાસણીની વિનંતી કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું.”
બેન્ચે ભાટીને વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નીતીશ કુમાર વ્યાસને બપોરે 2 વાગ્યે બોલાવવાનું કહ્યું હતું, જેમણે અગાઉ ઈવીએમની કામગીરી અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં ઈવીએમના સ્ટોરેજ, ઈવીએમના કંટ્રોલ યુનિટમાં માઈક્રોચિપ અને અન્ય પાસાઓને લગતા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેના સંદર્ભમાં કોર્ટે સ્પષ્ટતા માંગી હતી.