જમ્મુમાં ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું ? કોની ઝાટકણી કાઢી ? જુઓ
- કાશ્મીરમાં સરકાર કોની બનશે તે જમ્મુવાળા નક્કી કરશે
- અમિત શાહે જમ્મુમાં સભા સંબોધી , પાકિસ્તાન સાથે વાત નહીં : જો કોંગી-એનસીની સરકાર આવશે તો આતંકવાદ માથું ઊંચકશે
જમ્મુ-કાશ્મીર વિધાન સભાની ચુંટણી માટે ગૃહમંત્રી અમિત શાહે બે દિવસના પોતાના રાજ્યના પ્રવાસના બીજા દિવસે એક સભા સંબોધીને શનિવારે કોંગ્રેસ સહિતના પક્ષોની આકરી ટીકા કરી હતી અને સાફ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે તો ક્યારેય વાતચીત નહીં થાય. એમણે લોકોને સાવચેત કરતાં કહ્યું હતું કે જો કોંગ્રેસ અને એનસીની સરકાર આવશે તો ફરી રાજ્યમાં આતંકવાદ ઘૂસી જશે.એમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં સરકાર કોની બનશે તે તો જમ્મુવાળા જ નક્કી કરશે.
અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કરીને કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની સત્તા છે? મેં સંસદમાં કહ્યું છે કે ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.’
જમ્મુમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, ‘કલમ 370 હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો વોટ આપવા જઈ રહ્યા છે. હું પોતાના કાર્યકર્તાઓને કહેવા ઇચ્છું છું કે તેઓ નક્કી કરે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ધ્વજના છાયડામાં વોટ આપવા જઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન હશે નહીં. ભાજપે જ આતંકીઓને વીણી વીણીને માર્યા અને વર્ષો પછી અમરનાથ યાત્રા મુક્ત વાતાવરણમાં યોજાઈ છે.’
ગૃહમંત્રીએ આગળ કહ્યું, ‘હું ઇચ્છું છું કે તમે તમામ મતદાનના દિવસે સવારે 11.30 વાગ્યા પહેલાં મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે. તેઓ રાજૌરી અને પૂંછમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. અમે ઉપદ્રવીઓને જેલમાં નાખી દીધા છે. તેઓ ઇચ્છે છે કે એલઓસીની પાર વેપાર ફરીથી શરુ થાય તેનાથી કોને ફાયદો થશે? આપણે શાંતિ સ્થાપિત થવા સુધી પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં.’
અમિત શાહે એમ પણ કહ્યું કે, ‘તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન રાખવા ઇચ્છે છે. શું તમે તેની પરવાનગી આપશો? ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા ઇચ્છે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઇચ્છે છે. હવે કોઈ પણ તાકાત જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત કરશે નહીં.’