કોરોનાની વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ નથી : અભ્યાસમાં થયો ખુલાસો
દિલ્હીની જી.બી. પંત હોસ્પિટલમાં 1,578 દર્દીઓ પર આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો.
કોરોના મહામારી બાદ હાર્ટ અટેકના લીધે લોકોના મૃત્યુ વધ્યા છે. 10-12 વર્ષના બાળકોથી માંડીને ત્રીસી અને ચાળીસીમાં રહેલા લોકોને એકાએક હાર્ટ અટેક આવતાં મોત થયું હોવાના કિસ્સા વધી ગયા છે. લોકોના અચાનક હાર્ટ અટેકથી મૃત્યુ થઈ રહ્યા હોવાના લીધે એવી ચર્ચા શરૂ થઈ હતી કે કોરોનાની રસીના લીધે હૃદય પર ખરાબ અસર થઈ છે. હાર્ટ અટેક માટે કોરોનાની રસીને જવાબદાર માનવામાં આવી રહી હતી પરંતુ તેનું યોગ્ય પ્રમાણ નહોતું મળ્યું. હાલમાં જ હાર્ટ અટેક અને કોરોના વેક્સીન વચ્ચે સંબંધ છે કે, કેમ તે જાણવા માટે એક સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્ટડીનું પરિણામ કહે છે કે, કોરોનાની રસી લેવાથી હાર્ટ અટેક નથી આવતો.
PLOS વન નામના જર્નલમાં પ્રકાશિત થયેલા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાની રસી લેવાથી હાર્ટ અટેકનું જોખમ વધતું નથી. આ સ્ટડીમાં હાર્ટ અટેકના 1,578 દર્દીઓના કેસનો ઈતિહાસ ફેંદવામાં આવ્યો હતો. દિલ્હીની જી.બી. પંત હોસ્પિટલમાં દાખલ થયેલા આ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ડૉ. મોહિત ગુપ્તાના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલા સ્ટડી મુજબ, કુલ દર્દીઓમાંથી 1086 એટલે કે 69 ટકા દર્દીઓએ રસી લીધી હતી, જ્યારે 31 ટકા એટલે 492 દર્દીઓએ રસી નહોતી લીધી. રસી લેનારા દર્દીઓમાંથી 1047 એટલે કે 96 ટકાએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા જ્યારે 39 એટલે કે 4 ટકા દર્દીઓએ ફક્ત એક જ ડોઝ લીધો હતો.
સ્ટડીમાં જાણવા મળ્યું કે, વેક્સીન લીધા પછી ક્લસ્ટરિંગ હાર્ટ અટેક એટલે કે એકથી વધુ હૃદયરોગના હુમલા નહોતા થયા. “કુલ હાર્ટ અટેકમાંથી 185 કે 12 ટકા હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓના આંશિક કે સંપૂર્ણ બ્લોકેજને લીધે આવ્યા છે. રસી લીધાના 90થી 150 દિવસની અંદર હાર્ટ અટેક આવ્યા હતા. જ્યારે 175 કે 11 ટકા હાર્ટ અટેક રસી લીધાના 150થી 270 દિવસની વચ્ચે આવ્યા હતા. એક્યુટ માયોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન એટલે કે એક પ્રકારના હાર્ટ અટેકના 28 કેસ જ રસી લીધાના પહેલા 30 દિવસમાં નોંધાયા હતા”, તેમ રિસર્ચરોનું કહેવું છે.
ડૉ. મોહિત ગુપ્તાએ કહ્યું કે, હાર્ટ અટેકના 1,578 દર્દીઓમાંથી 30 દિવસમાં વિવિધ કારણોસર મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 201 એટલે કે 13 ટકા હતી. તેમાંથી 116 એટલે કે 58 ટકા દર્દીઓ રસી લેનારા ગ્રુપમાંથી હતા. જ્યારે 85 એટલે કે 42 ટકા રસી લીધા વિનાના ગ્રુપના દર્દીઓ હતા. જી.બી. પંત હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટનું કહેવું છે કે, વેક્સીન લેનારા અને વેક્સીન ના લેનારા બંને ગ્રુપમાં અગાઉથી રહેલી બીમારીઓને ધ્યાનમાં લઈને હાર્ટ અટેકના કેસને ધ્યાને લેવામાં આવે તો રસી લેનારા દર્દીઓમાં 30 દિવસમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યા ઓછી હતી. “વધતી ઉંમર, ડાયાબિટીસ અને ધૂમ્રપાન કરતાં લોકોમાં 30 દિવસના ગાળામાં મૃત્યુનું જોખમ વધુ હતું”, તેમ ડૉક્ટરે ઉમેર્યું.
30 દિવસથી છ મહિનાના ગાળામાં 75 દર્દીઓના મોત થયા જેમાંથી 43.7 ટકા દર્દીઓએ રસી લીધેલી હતી. ડૉ. ગુપ્તાનું કહેવું છે કે, રસી લેનારા દર્દીઓને હાર્ટ અટેક આવ્યો હોય તેની સંખ્યા ઓછી છે. “એક્યુટ માયોકાર્ડિયલ ઈન્ફાર્ક્શનના દર્દીઓમાં હાથ ધરાયેલો આ પહેલો સ્ટડી છે. જેના પરિણામને આધારે જાણવા મળ્યું છે કે, કોરોનાની રસી સુરક્ષિત છે ઉપરાંત બધા જ પ્રકારની બીમારીઓમાં લાંબા કે ટૂંકાગાળા સમય માટે અને 6 મહિનાના ફોલોઅપમાં પણ મૃત્યુનો દર ઘટાડે છે અને રક્ષાત્મક સાબિત થાય છે”, તેમ તેમણે ઉમેર્યું.