‘આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો’: UNSCમાં ભારતની ચીન-પાકિસ્તાનને સીધી ચેતવણી, 80 વર્ષ જૂની વ્યવસ્થા બદલવા માંગ
વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં ભારતે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પરથી પાકિસ્તાન અને ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં ભારતે આતંકવાદીઓને છાવરવાની અને વૈશ્વિક પ્રતિબંધોની પ્રક્રિયામાં રાજકીય અડચણો ઊભી કરવાની નીતિની આકરી ટીકા કરી છે. આ સાથે જ ભારતે 80 વર્ષ જૂની સંયુક્ત રાષ્ટ્રની સંરચનામાં તાત્કાલિક સુધારા કરવાની માંગ દોહરાવી છે, જેથી બદલાતા સમય સાથે વિકાસશીલ દેશોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે.
આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપનો વિરોધ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાર્યપ્રણાલી પર આયોજિત એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન, ભારતે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે યુએનને પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થ સાધવાનું મંચ ન બનાવવું જોઈએ. ભારતીય પ્રતિનિધિ યોજના પટેલે સ્પષ્ટ કર્યું કે આતંકવાદીઓને વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત યાદીમાં ઉમેરવાની કે તેમાંથી હટાવવાની પ્રક્રિયા અત્યંત પારદર્શક અને નિષ્પક્ષ હોવી જરૂરી છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ હવે ભારત કે અન્ય જવાબદાર દેશો દ્વારા સહન કરવામાં આવશે નહીં.
ચીન અને પાકિસ્તાનની બેવડી નીતિ પર પરોક્ષ પ્રહાર
વૈશ્વિક મંચ પર પાકિસ્તાન અને ચીનની દોહલી નીતિ ફરી એકવાર ખુલ્લી પડી છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર આતંકી સંગઠનોને છુપાવવાના પ્રયાસો કરવામાં આવે છે, તો બીજી તરફ ચીને ભૂતકાળમાં મસૂદ અઝહર અને સાજિદ મીર જેવા કુખ્યાત આતંકીઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવોમાં વારંવાર વીટો પાવરનો ઉપયોગ કરી અડચણો ઊભી કરી છે. ભારતે આડકતરી રીતે આ બંને દેશો પર નિશાન સાધતા જણાવ્યું કે સુરક્ષા પરિષદની સદસ્યતા પોતાની સાથે મોટી જવાબદારીઓ લાવે છે, જેને અંગત હિતો માટે વાપરવી તદ્દન અયોગ્ય છે.
આ પણ વાંચો: વર્ષ 2027થી લોન લેવાની રીત બદલાશે, જાણો EMI પર પડશે કેવી અસર?
સહાયક સમિતિઓની સ્થિતિ અને આંતરિક મતભેદો
સુરક્ષા પરિષદના આંતરિક મતભેદો અને રાજકીય ખેંચતાણના કારણે આતંકવાદ વિરોધી અને પ્રતિબંધો સાથે જોડાયેલી સહાયક સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક અટકી પડી છે. આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ભારતે જણાવ્યું કે આ પ્રકારની મડાગાંઠના કારણે વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરોધી કામગીરી પર ગંભીર માળખાકીય અસરો પડી રહી છે. પરિષદની આ નિષ્ક્રિયતા અને અંદરૂની વિવાદોને કારણે આજે વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
80 વર્ષ જૂની વૈશ્વિક સંરચના બદલવાની જોરદાર માંગ
દ્વાિતીય વિશ્વયુદ્ધ (1945) ના સમયમાં બનેલી 80 વર્ષ જૂની વ્યવસ્થા આજના આધુનિક યુગમાં યોગ્ય નથી. આ વાત પર ભાર મૂકતા ભારતે UNSCના કાયમી અને અસ્થાયી બંને માળખામાં વ્યાપક સુધારા કરવાની માંગ કરી છે. 1945 પછી યુએનના સભ્ય દેશોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે, ત્યારે વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને નકારી શકાય નહીં. પરિષદમાં વિકાસશીલ દેશોને યોગ્ય સ્થાન અને પ્રતિનિધિત્વ મળે તે માટે લોકશાહી ઢબે માળખાકીય ફેરફારો કરવા અનિવાર્ય છે.
ભારતનું આ કડક વલણ સાબિત કરે છે કે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી અનિવાર્ય છે. જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદ પક્ષપાતી વલણ અને જૂની પદ્ધતિઓથી બહાર નહીં આવે, ત્યાં સુધી વૈશ્વિક સંઘર્ષોનો કાયમી ઉકેલ લાવવો મુશ્કેલ બનશે. ભારતની આ માંગ માત્ર દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ન્યાય અને સમાનતા માટેનું એક મોટું પગલું છે.
